Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

સાણંદનો મિસ્ટર નટવરલાલ નવીન પ્રકારે ગોંડલના તેલિયા રાજાઓને કરોડોમાં છેતરી રફુચક્કર થયો

હરીફાઇની દુનિયામાં વધુ માલ વેચવાની લ્હાયમાં વેપારીઓએ કરોડો ગૂમાવ્યા

ગોંડલ,તા.૨૫: કરોડો રૂપિયામાં ઉઠી જવાના બનાવ ગોંડલમાં છાશવારે બનતા હોય છે ત્યારે ગોંડલમાં અવ્વલ દરજ્જાનું સ્થાન ધરાવતા તેલિયારાજાઓને સાણંદનો મિસ્ટર નટવરલાલ કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રફુચક્કર થઈ જતાં તેલ લોબીમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ હરિફાઈની દુનિયામાં ટકી રહેવા કેટલાક વેપારીઓ સાણંદ યાર્ડ નજીક દાયકા જુના તેલનો ડેપો ધરાવતા વેપારીને ૪૫ દિવસ બાકી કન્ડિશનથી તેલના ડબ્બા દેવા લાગ્યા હતા ઠગ વેપારી દ્વારા રોજિંદા બજાર ભાવ કરતા પણ ૩૦ થી ૪૦ રૂપિયા ઉંચા ભાવ આપી બાકીમાં તેલની તોતિંગ ખરીદી કરાઈ હતી અને કરોડો રૂપિયાનું બાકી તેલ મળી જતા નીચા ભાવે રોકડેથી વેચાણ કરી મોટી રકમ ભેગી કરી રફુચક્કર થઇ ગયો હતો.

ગોંડલના તેલિયા રાજાઓને પોતે છેતરાયા હોવાનું જણાતા એક વેપારીના પગ તળેની ધરતી (અવની) ખસી જવા પામી હતી, તો બીજા વેપારીએ 'શિવ.. શિવ.. ના જાપ શરૂ કર્યા હતા.

મિસ્ટર નટવરલાલ ગોંડલના વેપારીઓ પાસેથી ૪૫ દિવસ બાકી શરતે રૂપિયા ૨૦૦૦ મુજબ તેલના ડબ્બા ખરીદ્યા હતા ડબ્બા ભરેલી ગાડી સાણંદ તેના ડેપો માં પહોંચતા રૂ. ૧૯૦૦માં રોકડેથી વેચી નાખી મોટી રકમ દ્યર ભેગી કરી દીધી હતી. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે મી. નટવરલાલ જીએસટી બીલિંગ કૌભાંડમાં પકડાયો હતો અને ત્યાં તેને દંડ પેટે કરોડો રૂપિયા ભરવાના થયા હતા.

કેટલાક વેપારીઓએ આશંકા વ્યકત કરી હતી કે સાણંદ, આણંદ અને સુરેન્દ્રનગર બાજુ થી કેટલાક લોકો તેલના ડબ્બા ના સ્ટીકર ખૂબ સસ્તા ભાવે વેચવા આવ્યા હતા અને મોટા ભાગના સ્ટીકર સાણંદ વિસ્તારમાં ચાલતા હોય તેવાજ હતા. મી. નટવરલાલ સ્ટીકર લગાવેલા ડબ્બા ની જ માંગ કરતો હતો.

(10:29 am IST)