Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

ભાવનગરના જાળીયાના ડુંગર - ખાણ વિસ્‍તારમાં ૩૧.૧૩ લાખનો દારૂ ઝડપાયો

શિહોરના બુટલેગરોએ દારૂ મંગાવ્‍યો'તો : આઇસર સાથે ૪ શખ્‍સોની ધરપકડ

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા.૨૫ : ભાવનગર જિલ્લાના સિહોરના બે બુટલેગરોએ રાજસ્‍થાન ખાતેથી મંગાવેલ ઈંગ્‍લીશ દારૂના મસમોટા જથ્‍થાનું સિહોર તાલુકાના જાળીયા ગામમાં આવેલ ડુંગર ખાણ વિસ્‍તારમાં કટીંગ થાય તે પહેલા જ એલ.સી.બી.એ દરોડો પાડી વિદેશી દારૂની નાની મોટી સાઇઝની ૩૧૩ પેટી (બોટલ નંગ ૩૭૬૪ ) આઈશર ટ્રક,અલ્‍ટો કાર, મોબાઇલ, રોકડ રકમ સહિત રૂ. ૩૧.૧૩ લાખના મુદ્દામાલ સાથે પાંચ ઈસમોને ઝડપી લીધા હતા.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એલ.સી.બી. પોલીસ કાફલોᅠ શિહોર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એલ.સી.બી.ના હેડ કોન્‍સ્‍ટેબલ અનિરુદ્ધસિંહ વજુભા ગોહિલે એલ.સી.બી. સ્‍ટાફને ફોન કરીને બાતમી આપી હતી કે, રાજપરા ખોડીયાર મંદિર ખાતે વાહન પાર્કિંગમાં સફેદ કલરની અલ્‍ટો કારમાંᅠ સિહોરના બુટલેગર યોગેશ બાલકૃષ્‍ણ મહેતા તેનો સાથીદાર સુધીર અશોકભાઈ પંડ્‍યા સહિતનાએ વિદેશી દારૂનો મસમોટો જથ્‍થો મંગાવેલો હોય, અને તે જથ્‍થાનું કટીંગ કરવાના છે.

ᅠઆ બાતમીના આધારે એલ.સી.બી. સ્‍ટાફે ખોડીયાર મંદિર પહોંચી મંદિરના પાર્કિંગમાં પાર્ક કરેલ અલ્‍ટો કાર નં. જી.જે.૦૪, સી.જે. ૧૫૪૩ ને કોર્ડન કરી કારમાં બેઠેલા યોગેશ બાલકૃષ્‍ણ મહેતા અને તેનો સાથીદાર સુધીર અશોકભાઈ પંડ્‍યા રહે. બંને સિહોર તેમજ રાજેશકુમાર મોરારીલાલ યાદવ અને પવન કુમાર રામકુમાર આહીર રહે. બંને દિલ્‍હીવાળા મળી આવતા તેઓને કારમાંથી બહાર કાઢી અલગ અલગ ઢબે પૂછપરછ કરતા આ ઈસમોએ રાજસ્‍થાનથી આઈશર ટ્રક નં. એમ.એચ. ૧૮ બી.જી. ૭૫૩૫ મારફત ઇંગ્‍લિશ દારૂનો મોટો જથ્‍થો મંગાવેલ હોવાનું અને જાળીયા ગામના ડુંગર વિસ્‍તારમાં આવેલ ખાણમાં તેનું કટીંગ કરવાનું હોવાનું જણાવ્‍યું હતું.

ᅠઆ બાતમીના આધારે આઇસર ટ્રકના ચાલકનો મોબાઈલ નંબર મેળવી તેનો લોકેશન ટ્રેસ કરવામાં આવતા આઈશર ટ્રક જાળીયા ગામના ડુંગર વિસ્‍તારમાં આવેલ ખાણમાં હોવાનું જણાતા એલ.સી.બી. કાફલાએ તાત્‍કાલિક જાળીયા ગામ દોડી જઈ ઇંગ્‍લિશ દારૂ ભરેલી પેટી સાથે ટ્રકના ચાલક ને ઝડપી લીધો હતો.

ᅠએલ.સી.બી. મેં ટ્રકની તલાશી લેતા ટ્રકમાં રાખેલ લોખંડના પાઇપની નીચે છુપાવેલ ઈંગ્‍લીશ દારૂની વિવિધ બ્રાન્‍ડની નાની મોટી સાઇઝની બોટલોની ૩૧૩ પેટી (બોટલ નંગ ૩૭૬૪) મળી આવી હતી.

એલ.સી.બી.એ વિદેશી દારૂની ૩૧૩ પેટી કિં.રૂ.૧૬,૧૩,૩૪૦, આઈશર ટ્રક, મારુતિ અલ્‍ટો કાર, ૯ મોબાઈલ, ટ્રકમાં રાખેલા નાની-મોટી સાઇઝના લોખંડના પાઇપ, રોકડ રકમ મળી કુલ રૂ.૩૧,૧૩,૭૧૦ ના મુદ્દામાલ સાથે યોગેશ બાલકૃષ્‍ણ મહેતા, સુધીર અશોકભાઈ પંડ્‍યા રહે. બંને સિહોર, પવનકુમાર રામકુમાર યાદવ, રાજેશકુમાર મોરારીલાલ યાદવ રહે. બંને દિલ્‍હી તેમજ ટ્રકના ચાલક સહજાદખાનᅠ પ્‍યારેમિયાની ધરપકડ કરી ઇંગલિશ દારૂનો જથ્‍થો મોકલનાર રાજસ્‍થાનના નાસીર સહિત ૬ ઇસમો વિરૂદ્ધ સીહોર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો.

(10:34 am IST)