Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

કચ્છમાં એલ.એલ.ડી.સી. વિન્ટર ફેસ્ટિવલમાં માલધારી સમુદાય ઉપર આધારિત વિવિધ ફિલ્મોનું સ્ક્રીનીંગ

મોંગોલિયન લાઈટલી પ્રદર્શની સાથે રાજસ્થાની પટ્ટ ચિત્ર કળા છવાઈ : પાંચ દિવસના આયોજનમાં દેશના ૧૭ રાજ્યોના યુવા પશુપાલકો જોડાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫

ભુજના અજરખપૂર મધ્યે શ્રોફ પરિવાર દ્વારા પ્રેરિત એલ.એલ.ડી.સી. મ્યુઝીયમ આયોજિત પાંચ દિવસનો વિન્ટર ફેસ્ટિવલ યોજાઈ ગયો. દેશના પશુપાલકો (માલધારી)ઓના જીવન, હસ્તકલા, ઉત્સવ અને વર્તમાન સમયના પડકારોને વણી લેતાં આ ફેસ્ટિવલમાં ૧૭ રાજ્યોના યુવા માલધારીઓએ ઉત્સાહપૂર્ણ રીતે ભાગ લીધો હતો. આ પાંચ દિવસમાં દેશના વિવિધ રાજ્યોના માલધારીઓ ઉપરાંત અન્ય લોક કલાકારોના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થયા હતા. જેમાં અનેક માલધારીઓ અને લોકકલાકારોએ ભાગ લીધો. પાંચે પાંચ દિવસ આખું લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઈન સેન્ટર જાગૃત થઈ ગયું હતું. 

વિવિધ ફિલ્મનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં, “હાઉ કેન આઈ ફેરગેટ ?”, “ડોન્ટ ફોલ ઈન લવ વિથ ધોસ હૂ વોડર ઈન બોટ” અને “ધ સ્ટોરી ઓફ ધી વિપિંગ કેમલ(મોંગોલિયા)” જેવી સુંદર ફિલ્મ બતાવવામાં આવી હતી. 

ત્યારબાદ સાંજના એલ.એલ.ડી.સી. ગાર્ડન સ્ટેજ પર એક નવો પ્રયોગ કર્યો કરવામાં આવ્યો હતો. આમ, જૂની પરંપરા માલધારી સમાજ સાથે સંકળાયેલી અને ખાસ કરીને રાજસ્થાન વિસ્તારમાં પટ્ટચિત્ર પઢવાની એક કળાને મંચ આપવામાં આવ્યું હતું. જેની કથા અને ગાયનના સ્વરૂપમાં નારાણ ભોપા અને એમના ધર્મપત્ની મીરાંબાઈએ કરી હતી. તેઓ લિવિંગ લાઈટલીના ભાગરૂપે સતત પાંચ દિવસથી પોતાની સૌ મુલાકાતીઓને કથા સંભળાવતા હતા. આજે એમણે એ પરંપરાને જીવાડવાનો પ્રયત્ન કર્યો હતો. આજે આવી રીતે એમના પ્રદેશના પટ્ટકથા કરનારા માત્ર ચાર જણા રહ્યા છે. એમાંના એક છે. તે પછી આરધીવાણીની ગણેશનગર, ભુજની મંડળીએ પ્રસ્તુતિ કરી હતી. જેમાં તેઓએ સુંદર ભજનો પ્રસ્તુત કર્યા હતા. કલાકારો લખુ રબારી, લાખા રબારી, વિરમ રબારી, પન્ના રબારી અને ભીખા રબારીએ રજૂઆત કરી હતી. 

મુખ્ય સ્ટેજ પર આજે કચ્છના સૂરીલા કલાકારો જેને કલાવરસો ટ્રસ્ટ છેલ્લા બાર વર્ષથી ઘડતર અને આગળ લઈ આવવાનું કામ કરી રહ્યું છે. એમના ભરમલ સંજોટે સરસ ટીમને તૈયાર કરી હતી. જેમાં, કાના પબા બારોટે સુફિયાન કલામ એકતારા સાથે ગાયું હતું, દાના ભારમલે ગડો ગમેલો સાથે કાફી ગાઈ હતી, કરમશી જોગણિયાએ જોડિયા પાવા વગાડયા હતા, ખેરાજ મારવાડાએ મોરચંગ, ઓસમાણ સોનુ જતએ પ્રાચીન વાદ્ય સુરંદો, મુબારક ગજણ સૂફી કલામ ગયા હતા, રમઝાન લાખા કેરએ હાર્મોનિયમ, આદમ હારુન લંગાએ ઢોલક પર, આશિક આદમ લંગા એ તબલા, શામજી મારવાડા બેંજો પર અને મગા બારોટે રાવણહથ્થો પર જમાવટ કરી હતી . ત્યારબાદ ચાંગપા પસ્ટોરાલિસ્ટ ગ્રૂપ – લદાખ દ્વાર સુંદર પરંપરાગત સંગીત રચના તે વિસ્તારમાં વગાડતી લેહરના કૃતિ રજૂ કરી હતી. જેમાં, તેઓએ ત્યાના ધમણ એટલે કે નગારા પાલદાન દોરજે અને નોરગેઈલ તેમજ શરણાઈ સિંગે નામગાલ ત્સેરિંગ આંગચૂકે વગાડી હતી. 

અંતિમ સત્રમાં  ચાંગપા પસ્ટોરાલિસ્ટ ગ્રૂપ – લદાખ સાથે આપણા કચ્છના ગ્રૂપ દ્વારા સુંદર પ્રાચીન-અર્વાચીન રચનાઓનો સુભગ સમન્વય કર્યો હતો. અપ્સરા ડાન્સ એકેડેમી, નટરાજ ડાન્સ એકેડેમી, સત્ત્વ ડાન્સ ગ્રૂપ, અને માર્ગમ ડાન્સ એકેડેમીએ કચ્છનો રંગ રાખ્યો હતો. બાળકો અને બાલિકાઓએ થનગનાટભરી રજૂઆત કરી હતી. 

આ ફેસ્ટિવલમાં બધી સંસ્થાઓએ મળીને અદ્ભુત આયોજન કર્યું હતું. જેમાં, સહજીવન, સી.એફ.પી., એલ.એલ.ડી.સી. અને અન્ય સાથી સંસ્થાઓએ પોતાનું યોગદાન આપ્યું હતું. લિવિંગ લાઈટલીના સુષ્મા આયંગર અને પ્રિયાશ્રીએ તેમજ તેમની સમગ્ર ટીમે પ્રદર્શનીની જહેમત ઉઠાવી હતી. જ્યારે એલ.એલ.ડી.સી.ની સમગ્ર ટીમ તેમજ ટ્રસ્ટીઓ દીપેશ શ્રોફ અને અમી શ્રોફ દ્વારા સતત સ્પોર્ટ મળતો રહ્યો. આ પાંચ દિવસનું રંગારંગ કાર્યક્રમનું સંચાલન કપિલ ગોસ્વામીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ નું સંકલન એલ.એલ.ડી.સી.ના મહેશ ગોસ્વામી અને સહજીવન સંસ્થાના રમેશ ભટ્ટીએ સંભાળ્યું હતું.

(10:19 am IST)