Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

માણાવદરમાં પશુ આહાર ખોળની આડમાં હેરાફેરીઃ રૂ.૧૩.૬૮ લાખનો વિદેશી દારૂ કબ્જે

રૂ.૨૩.૯૩ લાખના મુદામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડઃ ક્રાઇમ બ્રાન્ચની ટીમનો સપાટો

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૨૫: માણાવદરમાં જુનાગઢ ક્રાઇમ બ્રાંચે પશુ આહાર ખોળની આડમાં દારૂની હેરાફેરી પકડી પાડી રૂ.૧૩.૬૮ લાખનો વિદેશી દારૂ કબ્જે કરી કુલ રૂ. ર૩.૯૩ લાખના મુદામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લેતા દારૂના ધંધાર્થીઓમાં હલચલ મચી ગઇ હતી.

જુનાગઢ એલસીબીના પીએસઆઇ એ.ડી.વાળા વગેરે પેટ્રોલીંગમાં હતા ત્યારે માણાવદરના રઘુવીરપરામાં આવેલ પડતર ખુલ્લી જગ્યા ખાતેથી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચના કાફલાએ દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં એક ટ્રકમાંથી રૂ. ર૧૩૦૬૮ લાખના વિદેશી દારૂની ૩૪૨૦ બોટલનું કટીંગ થતું હોવાનું જણાતા પોલીસે દારૂનો જથ્થો પકડી પાડયો હતો. દારૂ સાથેના ટ્રકમાં પશુ આહાર ખોળની ખોટી બીલ્ટીની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાનું માલુમ પડયું હતું.

ક્રાઇમ બ્રાંચે સ્થળ પરથી દારૂ તેમજ રૂ.૧૦ લાખનો ટ્રક મળી કુલ રૂ. ૨૩.૯૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

તેમજ કેશોદના અગતરાય ગામનો એઝાઝ મહમદ હિંગોરા તથા હરીયાણાના ગુંદાણા ગામનો પરવીન સત્યવીર સાંગવાન અને હરીયાણાના ભીવાનીનો રવિન્દ્રકુમાર કૃષ્ણકુમાર રોહીલાની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી.

દારૂનો જથ્થો ગોંડલનો શ્યામ ઘુસા ઉર્ફે ઘનશ્યામ આહીર અને સ્થળ પરથી નાસી જનાર માણાવદરનાં રઘુવીરપરાનો અકરમ અલારખા પલેજાએ બહાદુરગઢ તાલુકાના બડસાનો અજય મો.નં. ૯૭૭૩૮૧૬૬૯૪ વાળા પાસેથી મંગાવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

પોલીસની કાર્યવાહી દરમ્યાન માણાવદરનો બ્રિજેશ ઉર્ફે બાદલ ભરત પટેલ અને મકસુદ મુસા સેતા પણ ફરાર થઇ જતા ક્રાઇમ બ્રાંચે આઠથી વધુ શખ્સો સામે કાર્યવાહી કરી હતી.

(1:12 pm IST)