Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

જામજોધપુરમાં શેઠ વડાળા વાડી વિસ્‍તારમાંથી દેશી તમંચા છરા-પાવડર સાથે ઉપલેટા પંથકના બે પકડાયા

જામજોધપુર તા. રપ : તાલુકાના શેઠ વડાળા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક અને તેના છરા તેમજ પાવડર સહિતની સામગ્રી સાથે ઉપલેટા પંથકના બે શખ્‍સોને પોલીસે પકડી પાડયા છે, અને તેઓ સામે હથિયાર ધારા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે જામજોધપર તાલુકાના શેઠ વડાળા ગામ પાસે ગઇકાલે રાત્રે શેઠ વડાળાની પોલીસ ટીમ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન ઉપલેટા તાલુકાના પડવાલ ગામના વતની હારૂન હુસેનભાઇ મથુપોત્રા અને જાવીદ અલીભાઇ નોઇડા નામના બે શખ્‍સો શંકાસ્‍પદ હાલતમાં બાઇક પર નીકળતાં તેઓને રોકવામાં આવ્‍યા હતાં. અને તલાસી લેવાઇ હતી.
જે તલાસી દરમિયાન તેઓ પાસેથી એક દેશી બનાવટની ડબલ બેરલ મઝલલોડ બંદૂક મળી આવી હતી. સાથોસાથ બંદૂકના ૩૧૦ નંગ છરા, તેમજ એલ્‍યુમિનીયમની સીશીમાં ભરેલા સો ગ્રામ જેટલો કલરનો પાવડર વગેરે મળી આવ્‍યા હતાં.
જેઓ એક મોટર સાયકલ પર નિકળ્‍યા હોવાથી પોલીસે તેઓનું મોટર સાયકલ, તેમજ ગેરકાયદે હથિયાર બંદૂક અને છરા તથા પાવડર વગેરે કબ્‍જે કરી લઇ બંનેની અટકાયત કરી લીધી છે. જયારે તેઓ સામે શેઠ વડાળા પોલીસ મથકમાં હથિયાર ધારા ભંગ અંગેની કલમ હેઠળ ગુનો નોંધી વિશેષ પુછપરછ હાથ ધરી છે.

 

(10:27 am IST)