Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

કર્મ-નિર્વાણભૂમિ બોટાદ સ્થિત બોટાદ જિલ્લા પંચાયત ખાતે 'મેઘાણી - સાહિત્ય' કોર્નરની સ્થાપના

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિ વર્ષ નિમિતે : બોટાદ જિલ્લા વિકાસ અધિકારી લલિત નારાયણ સિંઘ સાંદુ (આઈએએસ), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, લોકગાયક અભેસિંહ રાઠોડ, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસંગ ડાભીની વિશેષ ઉપસ્થિતિ.

રાજકોટ તા. ૨૦ : આઝાદી કા અમૃત મહોત્સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ નિમિત્ત્।ે એમની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ સ્થિત બોટાદ જિલ્લા પંચાયત પરિસરમાં આવેલ બોટાદ જિલ્લા પંચાયત કર્મચારી રિક્રિએશન કલબ ખાતે મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના થઈ. આપણાં ગૌરવવંતા સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી નવી પેઢી પરિચિત–પ્રેરિત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક અભિયાનનો આરંભ કરાયો છે જે અંતર્ગત સમગ્ર ગુજરાતમાં વિવિધ લાયબ્રેરી, શાળા, કોલેજ, સરકારી કચેરી, પોલીસ સ્ટેશન, જેલ ખાતે ૮૧ જેટલાં મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના થઈ છે.

સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી બોટાદ જિલ્લા વિકાસ અધિકારી લલિત નારાયણ સિંઘ સાંદુ (આઈએએસ), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, લોકગાયક અભેસિંહ રાઠોડ, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસંગ ડાભી, બોટાદ જિલ્લા પંચાયત કર્મચારી મંડળના પ્રમુખ નરેન્દ્રભાઈ ચાંપાનેરીની આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મહારાણા પ્રતાપની પુણ્યતિથિએ એમના જીવન અને કાર્ય વિશે સંશોધન કરનાર બોટાદ જિલ્લા વિકાસ અધિકારી લલિત નારાયણ સિંઘ સાંદુ (આઈએએસ)ને પિનાકી મેઘાણીએ ઝવેરચંદ મેઘાણી લિખિત રાણો પ્રતાપ પુસ્તક ભેટ આપ્યું હતું.

લોકગાયક અભેસિંહ રાઠોડે ઝવેરચંદ મેઘાણી રચિત લોકપ્રિય કાવ્ય કસુંબીનો રંગ થકી સ્વરાંજલિ અર્પણ કરી હતી. મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરનાં ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલાં તેવાં સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યનાં સંશોધક, સ્વાતંત્ર-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીએ ૨૫ વર્ષના ટૂકાં ગાળામાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયોનાં ૧૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં હતાં. આમાંનાં ૭૫ જેટલાં પ્રાપ્ય પુસ્તકો ૬*૩*૧ ફૂટનાં કલાત્મક કાચનાં કબાટમાં વિષયવાર મૂકાયા છે. ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૨માં લખેલ પ્રથમ પુસ્તક કુરબાનીની કથાઓથી લઈને ૧૯૪૭માં અવસાન થયુ ત્યારે અપૂર્ણ રહેલી નવલકથા કાળચક્ર ઉપરાંત તેમના અતિ લોકપ્રિય પુસ્તકો યુગવંદના, સિંધુડો, વેવિશાળ, સોરઠ તારાં વહેતાં પાણી, તુલસી-કયારો, માણસાઈના દીવા, સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો, રઢિયાળી રાત, સોરઠી સંતવાણી ખાસ ઉપલબ્ધ કરાયાં છે.(૨૧.૧૯)

: આલેખન :

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

(મો.  ૯૮૨૫૦૨૧૨૭૯)

(10:22 am IST)