Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

કચ્છમાં તસ્કરોની રાડઃ માધાપરમાં ત્રણ લાખની ચોરી નાની મોટી ચોરી, ચીલઝડપ, ઠગાઈના બનાવો વધ્યા

ડીએસપીની કડકાઈ સાથે પોલીસ સ્ટાફ સંદીગ્ધ શખ્સો સામે કડક બને તે જરૂરી

(વિનોદ ગાલા દ્વારા),ભુજ, તા.૨૪: કચ્છમાં બેખોફ બનેલા તસ્કરો ઉપર કાયદાકીય લગામની જરૂરત છે. છેલ્લા ઘણા સમયથી નાની મોટી ચોરીઓ તેમ જ ઠગાઈ, ચીલઝડપના બનાવો વધી રહ્યા છે. ભુજના માધાપર ગામે ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજરના ઘેરથી ત્રણ લાખ રૂ.ની ચોરીના બનાવે ચકચાર સર્જી છે. પંકજ નગરમાં રહેતાં વીઠ્ઠલભાઈ માવજી કેરાસિયા પોતાના પિતાને ઘેર હબાય ગામે ગયા હતા ત્યારે તેમના ઘરનું તાળું તોડી અજાણ્યા તસ્કરો સોના ચાંદીના ૧.૬૬ લાખના દાગીના અને રોકડ રૂ. ૧.૩૦ લાખ સહિત ૨.૯૬ લાખ અંદાજે ત્રણ લાખ ની માલમતા ચોરી ગયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભુજના સુખપર ગામે પાર્ક કરેલી બે ટ્રક માંથી ૨૨,૫૦૦ રૂ.નું ૨૫૦ લીટર ડીઝલ ચોરાઈ ગયું હતું. જયારે ભુજના મિરઝાપર ગામે નીનેશ હરિલાલ ઉમરાણીયા નામના યુવાનની ડીલકસ હીરો બાઈક કોઈ ઉઠાવી ગયું હતું. આ સિવાય પણ નાની મોટી અન્ય ચોરી ઉપરાંત મોબાઈલ, પર્સ અને પાકીટ ચોરી સહિતના ચીલઝડપના બનાવો વધી રહ્યા છે. ભુજમાં ચીટર ગેંગ દ્વારા નકલી સોના ચાંદીના નામે ઠગાઈ કરવાના બનાવો વધ્યા છે. ચીટર ગેંગ દ્વારા ગુના શોધક પોલીસ સાથે હાથાપાઈ કરવાનો બનાવ ઘણું બધું કહી જાય છે. જે રીતે ડીએસપી સૌરભ સિંઘ કડક છે એ રીતે ભુજમાં એ, બી ડિવિઝનના બબ્બે પોલીસ સ્ટેશન, એલસીબી, એસઓજી અને ડીવાયએસપી સહિતના પોલીસ સ્ટાફની હાજરી વચ્ચે ગુનાખોરી સામે લગામ તાણવા પોલીસની કડકાઈ જરૂરી છે.(

(11:46 am IST)