Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

કોટડાસાંગાણીના માણેકવાડા ગામના હત્યા કેસમાં ૮ દરબાર શખ્સોનો નિર્દોષ છુટકારો

૨૦૧૮માં પિતા નાનજીભાઈ ર્સૌદરવાનું ખુન થયા બાદ ૨૦૧૯માં પુત્ર રાજેશ નાનજીભાઈ સોંદરવાનું ખુન થતા ગુજરાત સરકારે ગાંધીનગર સી.આઈ.ડી. ક્રાઈમના ડિ.વાય.એસ.પી.ને તપાસ સોંપી હતી : બચાવપક્ષે પિયુષભાઈ શાહ, ભગીરથસિંહ ડોડીયા સહિતના એડવોકેટ રોકાયા હતા

રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી તાલુકાના ગામ માણેકવાડાના રહેવાસી અજય નાનજીભાઈ સોંદરવાએ તેના પિતા રાજેશભાઈ નાનજીભાઈ સોંદરવાના ખુનના ગુન્હા અંગે માણેકવાડા ગામના અજયસિંહ ઉર્ફ ઘનુભા ચંદુભા જાડેજા, મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા, હરદીપસિંહ ઉર્ફ માલી નરેન્દ્રસિંહ જાડેજા, દીવ્વરાજસિંહ ઉર્ફ કુમારસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, ધુવરાજસિંહ અજયસિંહ ઉર્ફે ઘનુભા જાડેજા, યશપાલસિંહ અજીતસિંહ ઉર્ફે કરણુભા જાડેજા, દીપેન્દ્રસિંહ અજીતસિંહ ઉર્ફ કરણુભા જાડેજા, હરદીપસિંહ ઉર્ફ ભાણુભા બહાદુરસિંહ ગોહીલ વિરૂધ્ધ ધારીયા, પાઈપ અને તલવાર જેવા હથીયારોથી ધાતકી હુમલો કરી ખુન કર્યાની ફરીયાદ ૨૦૧૯માં કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં આપેલી હતી અને તેમાં ફરીયાદીએ ફરીયાદમાં જણાવેલ હતું કે અગાઉ તેના પિતા નાનજીભાઈ સોંદરવાનું ઉપરોકત આરોપીઓએ ૨૦૧૮માં ધાતકી રીતે હત્યા કરેલી હતી જે કેસમાં જામીન કેન્સલ કરાવવા તથા કોર્ટ કાર્યવાહીમાં સજા પડાવવા માટે રાજેશ નાનજીભાઈ સોંદરવા કાર્યવાહી કરતા હોય તેનો ખાર રાખી ફરીથી આ અજયસિંહ ઉર્ફે ઘનુભા ચંદુભા જાડેજા તથા મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજાએ કાવતરું રચી નાનજીભાઈના પુત્ર રાજેશ સોંદરવાને આંતરી ધાતકો હથીયારોથી હત્યા કરી મોત નીપજાવેલ હોય તે રીતે ફરીયાદ આપેલી હતી.

  ઉપરોકત માણેકવાડા ગામમાં આ દરબાર સમાજના આરોપી સામે અગાઉ પણ એટ્રોસીટી, ખુની હુમલા અને અસંખ્ય ફરીયાદોનો સીલસીલો ૨૦૧૬-૧૭ થી ચાલુ થયેલ હતો જે અનુસંધાને આ કેસમાં પિતાની હત્યા બાદ પુત્રની હત્યા બે વર્ષના સમયગાળામાં કરવામાં આવેલી હતી. આ કેસમાં જે તે વખતે કોટડાસાંગાણી પોલીસ ઈન્સ્પેકટરના બદલે એસ.પી.મીણાએ તાત્કાલીક તપાસ ડી.વાય.એસ.પી. જાડેજા તથા ડી.વાય.એસ.પી.ભરવાડને સોપવા હુકમ કરેલો હતો ત્યારબાદ આ ખુની સીલસીલાની કડક અને તટસ્થ તપાસ કરવા માટે ગુજરાત રાજય સરકારે ગાંધીનગર સી.આઈ.ડી. કાઈમને તપાસ સોંપેલ હતી અને જેની તપાસ ડી.વાય.એસ.પી. એ. એમ.પટેલએ આ તમામ આરોપીઓની ધરપકડ કરી ગુન્હાના સાહેદોના નીવેદન નોંધી અને હથીયારો કબ્જે કરી આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ કરેલ હતું.
 આ કેસમાં કોટડાસાંગાણીના પોલીસ કોન્સ્ટેબલ જે તે વખતે બનાવની રાત્રીના ફરજ ઉપર હોય તેઓ આ કેસના સ્ટાર વિટનેશ હતા જેમાં પોલીસ કોન્સ્ટેબલ સીધ્ધરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા તથા હરદીપસિંહ ઈન્દ્રસિંહ જાડેજા ખુબજ મહત્વના સાક્ષી હતા અને તેઓના જયુ. મેજી. સમક્ષ નીવેદનો પણ લેવામાં આવેલ હતા. અને આ કેસમાં બનાવમાં નજરે જોનાર સાહેદ તરીકે ગુજરનાર સાથે સ્કુટરમાં સાથે બેસેલે મીલન પરમાર પણ ખુબજ મહત્વનો સાક્ષી હતો.
ઉપરોક્ત કેસ નામદાર સેશન્સ અદાલતમાં ચાલવા ઉપર આવેલ જેમાં કુલ ૨૭ સાક્ષીઓને તપાસવામાં આવેલ હતા. જેમાં બંને પોલીસ કોન્સ્ટેબલો, ફરીયાદી તથા ગુજરનાર સગાવ્હાલાઓ અને ત્રણે [ડે.વાય.એસ.પી.ની જુબાની ફરીયાદપક્ષ ધ્વારા લેવામાં આવેલ હતી.
ઉપરોક્ત પુરાવા અને સાક્ષીઓની જુબાની પુર્ણ થયા બાદ બચાવપક્ષે રજુઆત કરેલી હતી કે નજરે જોનાર સાહેદ મીલન પરમાર ચારથી પાંચ અજાણ્યા માણસો જણાવે છે જયારે ફરીયાદી અને બંને પોલીસ કોન્સ્ટેબલો આઠ આરોપીઓના નામ જણાવે છે. બંને પોલીસ કોન્સ્ટેબલોની પેટ્રોલ બુકો જે રજુ થયેલ છે તે પાછળથી ઉચ્ચ અધિકારીઓના દબાણથી ઉભી કરવામાં આવેલ છે. બંને સાહેદોના નીવેદનો ખુબજ મોડા લેવામાં આવેલ છે અને તેઓ બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ હોવા છતા લાંબો સમય મૌન રહેલ છે. કોટડાસાંગાણીના પી.એસ.આઈ. સાંખલા રૂબરૂની ફરીયાદ પણ પાછળથી ઉભી કરેલી છે રેકર્ડમાં મીલન પરમારએ વ્હેલી સવારે આપેલ ફરીયાદ લઈ લીધેલ હોવા છતા ગુજરનારના સગાને ફરીયાદી તરીકે બીજા દીવસે ઉભા કરેલ છે. ફરીયાદપક્ષના તમામ સાહેદો વિરોધાભાસી નીવેદનો આપે છે વડી ૧૬૯૪ ના નીવેદનો એક સમર્થનકારી પુરાવો છે સમગ્ર ચાર્જશીટ ધ્યાને લેવામાં આવે તો તપાસનીશ અધિકારીઓએ આરોપીઓને સંડોવવા એકતરફી કાર્યવાહી કરેલ છે અને તપાસમાં ઘણીબધી ખામીઓ પણ રાખવામાં આવેલ છે.
આમ ઉપરોક્ત સંજોગોમાં રજુ થયેલ દસ્તાવેજી પુરાવાઓ અને સાહેદોની જુબાની તથા બચાવપક્ષની દલીલો અને રજુ થયેલ કાયદાકીય આધારો ધ્યાને લઈ ગોંડલના મહે. સેશન્સ જજ સાહેબશ્રીએ તમામ આરોપીઓને સદરહું કેસમાં છોડી મુકવા હુકમ કરેલ છે.
આ કામમાં બચાવપક્ષે પિયુષભાઈ શાહ, ભગીરથસિંહ ડોડીયા, વિજયસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, ખોડુભા સાકરીયા, જયપાલસિંહ સોલંકી, દીપ વ્યાસ, નીવીદ પારેખ, વિગેરે એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(9:36 am IST)