Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અઢી કરોડના ખર્ચે બ્રિજ

બાબરા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં માંગ મુજબ અને જરૂરિયાત મુજબ રોડ રસ્તાઓની ફાળવણી કરી કામગીરી શરૂ કરાવ્યા બાદ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓમાં બ્રિજ મંજુર કરાવતા ગ્રામ્ય વિસ્તારોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. બાબરા તાલુકાના મોટા દેવળીયા-ફુલજર અને બળેલપીપળીયા માર્ગ પર ૭૫ લાખના ખર્ચે બ્રિજ મંજુર કરાવ્યો છે તેમજ મિયા ખીજડિયા- પાંનસડા રોડ પર ડોઢ કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે અને વલારડી પીરખીજડિયા ઇંગોરાળા ભીલડી રોડપર ૫૦ લાખના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે. અહીં ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોમાં બ્રિજ નબળા પડી ગયા હતા તેમજ અમુક ગ્રામ્ય વિસ્તારમાં માર્ગોમાં બ્રિજની તાતી જરૂરિયાત હતી ત્યારે લોક રજુઆતને ધ્યાનમાં રાખી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજય સરકારમાં અસરકારક રજુઆત કરતા તમામ બ્રિજ અઢી કરોડના મંજુર થતા તેમનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં બ્રિજ તૈયાર થયા બાદ લોકોને મોટી રાહત મળશે. ચોમાસાની ઋતુ દરમિયાન લોકોને વધુ હાલાકી પડતી હતી. ફુલઝર ગામ પાસે આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ જસમતભાઈ ચોવટિયા સુરેશભાઈ કોટડીયા મનસુખભાઈ પડસાલા બાવાલાલ હિરપરા કૃષ્ણભાઈ વાળા ચંદુભાઈ સાકરીયા તેમજ પ્રદીપ સાકરીયા સહિત ફુલજર ખીજડીયા બળેલ પીપરીયા ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર - અહેવાલ : ઇકબાલ ગોરી, સાવરકુંડલા)

(1:36 pm IST)