Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ગણતંત્ર દિવસ – ઉલ્લાસનું પર્વ

જુનાગઢઃ ગણતંત્ર દિવસ અથવા પ્રજાસત્તાક દિનનું પર્વ લોકશાહીમાં આનંદનો અવસર છે. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના એ પાવન દિવસે જયારે ભારતના નાગરિકોએ ભારતનું બંધારણ પોતાને સમર્પિત કર્યું, અને ભારત દુનિયાનું સૌથી મોટું લોકશાહી રાષ્ટ્ર બન્યું ત્યારથી સંયુકતપણે આપણે સહુ આપણા સૌના વિકાસ અને ખુશહાલી માટે સતત પ્રયત્નશીલ છીએ. જયાં વૈશાલીમાં દુનિયાનું પુરાણું ગણતંત્ર હતું તેવી ભારત ભૂમિમાં સહસ્ત્રાબ્દીઓ બાદ નવીન અને આધુનિક ગણતંત્ર ફરીથી નિર્માયું અને આજે આપણે તે ગણતંત્રના મીઠા ફળ ભોગવી રહ્યા છીએ. કેટલાક ક્ષેત્રોમા સફળતા મળી છે તો કેટલાક ક્ષેત્રોમા હજુ વધુ મહેનતની જરૂર છે. છતાં એકંદરે સતત અસ્થિરતાના આ વિશ્વમાં લોકશાહીને આપણે ટકાવી શકયા છીએ એટલું જ નહી વધારે મજબુતીથી સુસ્થાપિત કરી છે. આજના દિવસે વિદેશી આધિપત્યના, અન્યાય અને ગુલામીના, દેશની આર્થિક, સામાજીક અને સંસ્કૃતિક અધઃ પતન માટે કારણરૂપ સંસ્થાનવાદ સામે અવાજ ઉઠાવવા પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર સહુ નામી-અનામી શહીદોના બલિદાનને યાદ કરી તેમના સપનાનું સમૃધ્ધ, ન્યાયપૂર્ણ અને વિકસિત ભારત બનાવવા પોતાની ભૂમિકા ભજવવાની પ્રતિજ્ઞા લઈએ.

આપણા દેશના સમૃદ્ઘ વારસાના સંદર્ભમાં સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે, આ માટીમાં કંઈક વિશેષતા છે, જયાં અનેક અવરોધો વચ્ચે પણ મહાન આત્માઓ જન્મ લે છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, નેતાજી બોઝ, વીર સાવરકર જેવા મહાન નેતાઓની આગેવાનીમાં ભારતે બ્રિટિશરો સામે સ્વતંત્રતા સંગ્રામની લડાઈ લડી હતી, જયારે ભારત વિકસિત અને ૧ સમૃદ્ઘ રાષ્ટ્રમાં પરિવર્તિત થવા ઇચ્છે છે ત્યારે આ મહાનુભાવોના વિચારો અને જીવન આપણને સતત પ્રેરિત કરતા રહેશે. અત્યારે દુનિયાના વિવિધ દેશોમાં વયોવૃદ્ઘ લોકોની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ભારત સરેરાશ ૩૦ વર્ષથી ઓછા લોકોની બહુમતી ધરાવતું યુવા રાષ્ટ્ર છે. આપણી યુવા પેઢીની ઊર્જાને રાષ્ટ્રનિર્માણ માટે રચનાત્મક રીતે વળવાની જરૂર પડશે. જો આપણે આપણા યુવાનો ને પર્યાપ્ત પ્રોત્સાહન આપીશું અને જરૂરી કુશળતાઓ સાથે સજજ કરીશું તો એ સમાજમા પરિવર્તન લાવવાનું માઘ્યમ બની શકે છે.

 

:સંકલનઃ

ડો.સચિન પીઠડીયા

માંગરોળ .જી.જુનાગઢ

 

(1:32 pm IST)