Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

કુવાડવા નદીમાંથી મળેલી યુવાનની લાશ હજુ વણઓળખાયેલીઃ ડૂબી જવાથી મોત

ઇજાના કોઇ નિશાન નથીઃ કોઇને માહિતી હોય તો કુવાડવા પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૫: કુવાડવા ગામની ફુલજર નદીમાંથી ગઇકાલે અજાણ્યા આશરે ૩૫ વર્ષના યુવાનની લાશ મળી આવી હતી. ફુલાઇ ગયેલી હાલતમાં આ લાશ ઉંધી તરતી હતી. સરપંચ સંજયભાઇ પીપળીયાએ જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ બી. પી. મેઘલાતર અને મહાવીરસિંહ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. લોકોની મદદથી મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડ્યો હતો. મોત ડુબી જવાથી થયાનું સ્પષ્ટ થયું છે. શરીર પર ઇજાના કોઇ નિશાન જણાયા નથી. જો કે આ લાશ હજુ ઓળખાઇ શકી નથી.

બનાવની જાણ થતાં લોકોના ટોળા નદી ખાતે ઉમટી પડ્યા હતાં. મૃતકે સફેદ શર્ટ, બ્લુ જેવું પેન્ટ પહેર્યુ છે. ચોવીસ કલાક કરતાં વધુ સમય પહેલા તે પાણીમાં ડૂબ્યાનું તારણ નીકળ્યું હતું. પોલીસે ગૂમ થયેલા યુવાનો વિશે તપાસ શરૂ કરી છે. મૃતક સાથે મળતાં વર્ણનવાળી કોઇ વ્યકિત ગૂમ હોય કે પછી મૃતક વિશે કોઇને માહિતી હોય તો કુવાડવા રોડ પોલીસ મથકના પીએઅસાઇ મેઘલાતર મો. ૯૬૦૧૦ ૮૫૨૮૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:16 pm IST)