Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ભૂજમાં કોર્ટમાં ફરજ બજાવતા રાજકોટ પ્રજાપતિ પરિવારના આધારસ્થંભ કિરીટ ધંધુકિયા, તેમની પત્નિ સરોજ અને પુત્રી જીજ્ઞાશાને ધરતીની ગોદમાં સમાવી દીધા

સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં આવેલા વિનાશકાય ધરતીકંપને વીસ વર્ષના વ્હાણા વાય ગયા : અકિલામાં ૭ વર્ષ સેવા આપી હતીઃ અકિલાના મોભી કિરીટભાઈના માર્ગદર્શન હેઠળ કોમ્પ્યુટરમાં માસ્ટરી મેળવેલ

સ્‍વ. કિરીટભાઈ બાબુભાઈ ધંધુકીયા, સ્‍વ. જીજ્ઞાશા ધંધુકીયા, સ્‍વ. સરોજબેન કિરીટભાઈ ધંધુકીયા ,કિરીટભાઈની મોટી પુત્રી દિપ્‍તીબેન, કિરીટભાઈના પિતા સ્‍વ. બાબુભાઈ ધંધુકીયા

રાજકોટઃ. ઈ.સ. ૨૦૦૧, ૨૬ જાન્યુઆરીને શુક્રવાર દેશ ગણતંત્ર પર્વ ઉત્સાહથી ઉજવવાની તૈયારીમાં, શાળા-કોલેજોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા તંત્ર તૈયાર, સૌના હોઠે જનગણમન અધિનાયક જય હો... ભારત ભાગ્ય વિધાતા...ના શબ્દો નિકળવાના હતા તેવા સમયે ૮:૪૬ કલાકે એક વિસ્મય અઘટિત દુર્ઘટના બની, સૌના કાળજા કંપાવી ગઈ અને તે હતો એક ખોફનાક ધરતીકંપ.

સમગ્ર ગુજરાતમાં આ ધરતીકંપે કલ્પના ન કરી શકાય એટલો વિનાશ વેર્યો, લાખોને નિરાધાર કરી મુકયા, લાખોને ઘરવિહોણા કર્યા, હજારો ધરતીમાં સમાય ગયા, હજારો કાટમાળમાં ચગદાઈ ગયા, કેટલાયના અરમાનોને ચકનાચૂર કરી નાખ્યા, લાખોની જીંદગી ૩ મીનીટમાં જ ધરતીમાં ધરબાય ગઈ... ગામોના ગામ વેરાન બની ગયા, વર્ષો જૂની ઈમારતો ખંઢેર બની ગઈ. ભવ્યતાનો ભૂક્કો થઈ ગયો. માનવી મહેલ છોડી રોડ ઉપર સૂવા લાગ્યો.

આ વિકરાળ ધરતીકંપનો પંજો પ્રજાપતિ સમાજના ધંધુકિયા બાબુભાઈ કાનજીભાઈ (પસાયાવાળા) પરિવાર ઉપર ફરી વળ્યો. ભૂજ ખાતે નોકરી કરતા તેમના યુવાન પુત્ર કિરીટ (ઉ.વ. ૨૭), પુત્રવધુ સરોજ (ઉ.વ. ૨૫) અને પૌત્રી જીજ્ઞાશા (ઉ.વ.૩)ને ધરતીકંપે છીનવી લીધા. મોટી પુત્રી દિપ્તી દાદા-દાદી, કાકા-કાકી સાથે રાજકોટ રહેતી. કોટક સ્કૂલમાં અભ્યાસ કરતી ગરીબ પરિવારમાં અણધારી આફત આવી પડી. પિતા બાબુભાઈ અને માતા રાધાબેન સખ્ત પરિશ્રમ કરી પુત્રને કોલેજ સુધી ભણાવેલ. તેમના માટે કિરીટ એક આશાનું કિરણ હતુ. જીંદગીમાં કયારેક સોનાનો સૂરજ ઉગશે. ધીરજ-સમજ શકિત અમાપ હતા. સદા હસતા રહેવુ તેની આગવી પ્રતિભા હતી. પરિસ્થિતિનો ખ્યાલ રાખી નાનપણથી જ અભ્યાસનો ખર્ચ ઉપાડવા ૧૨ વર્ષની ઉંમરે અકિલામાં કોમ્પ્યુટર ઉપર કામ કરતો. અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, ગુજરાતી વગેરેમાં અમાપ સ્પીડમાં કામ કરતો. અકિલાના મોભીશ્રી કિરીટભાઈને કિરીટ ઉપર બહુ જ માન હતું. સાત વર્ષ અકિલામાં નોકરી કરી આગળ આવવાની તમન્ના ધરાવતો કિરીટ ૩ મહિના આફ્રિકા (નૈરોબી)માં રહેલ, ત્યાં રહેવાનું કુદરતને મંજુર ન હતુ, વિઝા ન મળવાથી પાછા ફરવુ પડયું.

૨૦ વર્ષની ઉંમરે ભગવાનજીભાઈ ધોળકિયાની સુપુત્રી સરોજ સાથે લગ્નગ્રંથીથી જોડાયેલ. સમયની સાથે બે પુત્રીનો પિતા બન્યો. જીંદગીની રફતાર સાથે ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી ભૂજ ખાતે કોર્ટમાં કલાર્કની નોકરી મળી, કિરીટે શુક્રવારે ૨૫ જાન્યુઆરી ૨૦૦૦માં નોકરી જોઈન્ટ કરી, કામની નિયમિતતા અને પ્રમાણિકતાથી કોર્ટમા સારી નામના મેળવી હતી. ૨૪ જાન્યુઆરી ૨૦૦૧માં નોકરીનું એક વર્ષ પૂર્ણ કર્યુ.

૨૬ જાન્યુઆરી ૨૦૦૧ શુક્રવાર તેમની જીંદગીનો અંતિમ દિવસ બની ગયો. તેમની સાથે નોકરી કરતો તેમનો ફ્રેન્ડ ગુરૂવારે રાજકોટ આવી ગયેલ. કિરીટ ધ્વજવંદન કરી રાજકોટ આવવાનો હતો. દેશપ્રેમ ધરાવતો કિરીટ તેમના પત્નિ સરોજ અને પુત્રી જીજ્ઞાશાને ૮:૪૬ કલાકે આવેલ વિનાશકારી ધરતીકંપે ગરીબ ઘરના પ્રજાપતિ સમાજના તરવૈયા, તેજસ્વી યુવાનના પરિવારને ધરતીની ગોદમાં સમાવી દીધો. વિધીની વક્રતા તો જુઓ, ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ તેમનો અંતિમ વિસામો બની ગયો. રાંકનુ રતન અણધાર્યુ છીનવાઈ ગયું. બાપના અરમાનો અધુરા રહી ગયા. જીંદગીની નૈયા મઝધારી ડૂબી ગઈ. મા-બાપ ઉપર કારમો વજ્રઘાત હતો. હજારો મા-બાપના વ્હાલસોયા સંતાનો કાટમાળમાં ચગદાઈ ગયા હશે. કુદરત આવા પરિવારને આવી પડેલ આફતનો સામનો કરવાની શકિત આપે... હોનીથી સો હો ગઈ ઉસે કૌન ટાલે...

ત્રણેયના મૃતદેહ મેળવવા કિરીટનો નાનો ભાઈ દિનેશ, કિરીટના મામા પ્રાગજીભાઈ અને હરીશભાઈ ગોંડલિયા (અકિલાના કર્મચારી) અકિલાના મોભી શ્રી કિરીટભાઈનુ માર્ગદર્શન લઈ અને અમે ૨૮ને રવિવારે ભૂજ પહોંચ્યા. ભૂજ તહસનહસ થઈ ગયુ હતુ. ઐતિહાસિક ભૂજ ભેંકાર દેખાતુ હતું. ચારેબાજુ કાટમાળના ઢગલા નજરે પડતા (એસ.ટી. બસ ભૂજ ફ્રીમાં લઈ જતી) એપી સેન્ટર ભચાઉ સાવ ખંઢેર બની ગયુ હતું. રાહત રસોડા અને રાહત છાવણી તેમજ સરકારી તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા હતા. કિરીટ જ્યાં રહેતો ત્યાં પહોંચી શકાય તેવી સ્થિતિ હતી જ નહિ. ગાત્રો થીજાવી દે તેવી ઠંડી હતી. આવી ઠંડીમાં પૂંઠા પાથરી એક ચાદર ઓઢી આઠ દિવસ છાવણીમાં પસાર કર્યા.

કિરીટના ઘર સુધીના રસ્તામાં કાટમાળ ઉપડી જતા અમને એક જીસીબી આપવામાં આવ્યું. લશ્કરના સૈનિક સાથે અમે કિરીટના નિવાસ સ્થાને સવારના આઠ વાગ્યે પહોંચ્યા. લશ્કરી જવાનની ભારે મહેનત બાદ ૩ વાગ્યે અમને સૌ પ્રથમ કિરીટ અને તેમની પુત્રીનો મૃતદેહ મળ્યો. થોડાક અંતરે તેમની પત્નિ સરોજનો મૃતદેહ હાથ લાગ્યો.

એમ્બ્યુલન્સને બોલાવી સરોજનો મૃતદેહ મુકી પાછા કિરીટ અને પુત્રી જીજ્ઞાશાનો મૃતદેહ લેવા આવ્યા તે અરસામાં એમ્બ્યુલન્સ સરોજનો મૃતદેહને લઈ ચાલી ગઈ.

બીજી એમ્બ્યુલન્સ બોલાવી કિરીટ અને તેમની પુત્રીના મૃતદેહ સાથે અમે સ્મશાને પહોંચ્યા, ત્યાં સરોજનો મૃતદેહ પહોંચ્યો ન હતો. ભૂજમાં કેટલા સ્મશાન છે તેની માહિતી મેળવી છેલ્લે ખારીના નદીના કાંઠે જ્યાં ત્રિવેણી ઘાટ કહેવાય છે ત્યાં સરોજનો મૃતદેહ હતો તેમને ત્યાં અગ્નિદાહ આપ્યો. કિરીટ અને તેમની પુત્રીના મૃતદેહને મુખ્ય સ્મશાને અગ્નિદાહ આપી છાવણી પહોંચી ત્યાં સરકારી દફતરે ત્રણેયની નોંધણી કરાવી.

વિધીની વક્રતા કેવી... એક સાથે દેહ છોડયો પણ અંતિમવિધિ જુદા જુદા સ્થળે થઈ. આઠ દિવસ પછી ભગ્નહૃદયે રાજકોટ પાછા ફર્યા. મા-બહેનનું આક્રંદ અને પિતાનું ચોધાર આંસુ સાથે રડવુ જોઈ કાળજુ કંપી ગયું.

વીસ વર્ષના વહાણા વાયા પછી ખંઢેર બની ગયેલુ ભૂજ આજે એક રળિયામણુ, ઔદ્યોગિક શહેર બની ગયું છે.

ધરતીકંપ અસરગ્રસ્ત પરિવારને અકિલા પરિવારની શ્રધ્ધાંજલી અને સાંત્વના...

કિરીટની મોટી પુત્રી દિપ્તી આજે જામનગર સાસરે વેલસેટ છે. કિરીટના પપ્પાનું ટૂંકી બિમારીમાં ૧૭ તારીખના રોજ અવસાન થયેલ છે.

(12:57 pm IST)