Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

સુરેન્દ્રનગરમાં કાલે મહાવીરાલય ભવનનું ઉદઘાટન : જૈનસમાજમાં અનેરો ઉત્સાહ

 સુરેન્દ્રનગર તા.રપ : સુરેન્દ્રનગરમાં જૈન સમાજ દ્વારા આવતીકાલ તા. ૨૬ના મંગલમય અને ભવ્ય કાર્યક્રમોની તડામાર તૈયારી કરી રહ્યા છે. શ્રી ગોપાલ સંપ્રદાય સ્થાનકવાસી જૈન સંઘ (લીંમડી) દ્વારા દાતાઓના સહયોગથી અદ્યતન સુવિધાસભર મહાવીરાલય ભવનનું ઉદઘાટન તા.૨૬ રવિવારે સવારે ૯ કલાકે થશે. સુરેન્દ્રનગરની ધર્મધરા જયા નિરંતર અનેક સંતો, સતીજીઓનુ વિચરણ, તપશ્ચર્યાના અનેક પાવન પ્રસંગો અનેક દિક્ષા મહોત્સવો વારંવાર યોજાય છે. એવી આ ધર્મ નગરીમાં વિશેષ પુણ્યવંતો પ્રસંગથી ગોપાલ સંપ્રદાય સ્થા. જૈન સંઘ (લીંમડી) ટ્રસ્ટી મંડળ અને સ્થાનકવાસી જૈન સંઘ સુરેન્દ્રનગરના ટ્રસ્ટીઓ રાહબરી હેઠળ ઉજવાય રહ્યો છે.

મહાવીરાલયના આ ઉદઘાટન સમારંભના પ્રમુખ સ્થાને બોરવલી (મુંબઇ) ના શ્રી વિરેન્દ્રભાઇ મણીલાલ શાહ ઉપસ્થિત રહેશે. આ પાવન પ્રસંગમાં મુખ્ય મહેમાનોમાં રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રવિણભાઇ ગંભીરચંદ શાહ (મુંબઇ), દાનવીર મીનલબેન રોહીતભાઇ શાહ (મુંબઇ) આ ઉપરાંત મુખ્ય અતિથિપદે મિતેશભાઇ આર. શેઠ (અમદાવાદ), નિલેશભાઇ ચમનલાલ શાહ (પાટડીવાળા), તેમજ વઢવાણના ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, અજરામર સંપ્રદાયના પ્રમુખ છબીલદાસ શેઠ, સુરેન્દ્રનગર પાલીકા પ્રમુખ વિપીનભાઇ ટોલીયા સહિતના જૂદા જૂદા ગામના સંપ્રદાય પ્રમુખો જૈન શ્રેષ્ઠીઓ તેમજ ગોપાલ ગચ્છ શિરોમણી પ.પુ.ધન્યદેવશ્રીના આજ્ઞાનુવર્તી પ્રવચન પ્રદિપ પ.પુ.દેવ ધર્મગુરૂદેવશ્રી અધ્યાત્મ અનુરાગી, ગચ્છાધિપતી પ.પુ.સરદારમુનીજી મ.સા. અધ્યાત્મપ્રેમી આચાર્ય પ.પુ.વિરેન્દ્રમુનીજી મ.સા. શાસન અનુરાગી પ.પુ.જીતેન્દ્રમુનીજી મ.સા. સંયમનિષ્ઠ પ.પુ. ધર્મમુનીજી મ.સા. તેમજ તપસ્વીની પ.પુ. તીર્થસ્વરૂપા કંચનબાઇ મહાસતીજી આ પ્રસંગમાં ઉપસ્થિત રહી શોભામાં અભિવૃષ્ટિ કરશે.

શ્રી ગોપાલ સંપ્રદાય સ્થાનકવાસી જૈન સંઘ લીંબડીના ટ્રસ્ટીશ્રીઓએ મહાવીરાલય અંગેની માહિતી આપતા જણાવેલ કે આ નૂતન બિલ્ડીંગમાં જૈન સમાજના જૂદા જૂદા દાતાઓ અને શ્રેષ્ઠીઓના દાનથી મહાવીરાલયમાં ઉપાશ્રય વ્યાખ્યાન હોલ, આયંબીલ ભુવન, શ્રુતજ્ઞાન સંસ્કાર શાળા, લાયબ્રેરી, સ્વાધ્યાય રૂમ, ધ્યાન કુટીર સહિતની અનેક સુવિધા સભરના આ ભવનમાં બીજા માળે શ્રી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન સભા તથા ઝાલાવાડી સભા ચેરી. ફાઉન્ડેશન (મુંબઇ) સંચાલીત સી.યુ.શાહ એનેટોરીયમ બનાવાયુ છે.

આ ઉપાશ્રયના મહાવીરાલય મુખ્યદાતા જશવંતલાલ ગીરધરલાલ શાહ (ઢુવાવાળા), મુંબઇ ભાગ્યશાળી દાતા તરફથી ૨૭ મુ ધર્મસ્થાન બનશે તેમજ ભૂમીદાતા માતૃશ્રી કાંતાબેન કાંતીલાલ શાહ સહપરિવાર (ઘોલેરાવાળા) સંપ્રદાયના યુવા પ્રમુખ રાજેશભાઇ કાંતીલાલ શાહ પરિવાર સહિતના દાતા પરિવારો અને આમંત્રીતો ઉપસ્થિત રહેશે તેમ ટ્રસ્ટી મહેન્દ્રભાઇ પીતાંબરભાઇ સોલાણીએ યાદીમાં જણાવેલ છે.

(11:20 am IST)