Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

પોરબંદરમાં મહર્ષિ અરવિંદ સોસાયટી દ્વારા જીવન શિક્ષણ અંગે ર દિવસીય કાર્યશાળા યોજાઇ

પોરબંદર, તા. ર૪ : શ્રી માતાજીના પોંડીચેરી કાયમી આગમન શતાબ્દિ વર્ષની ઉજવણીના ભાગરૂપે આધ્યાત્મિક ક્ષેત્રે અનેકવિધ પ્રવૃત્તિઓમાં શહેરમાં મોખરાનું સ્થાન ધરાવતા મહર્ષિ અરવિંદ કેન્દ્ર તથા ડો. વી.આર. ગોઢાણીયા બી.એડ્. કોલેજના સંયુકત ઉપક્રમે તાજેતરમાં 'જીવન શિક્ષણ'એ વિષય પર દ્વિ-દિવસીય કાર્યશાળા યોજાઇ હતી.

શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત શ્રીમતિ જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયા પ્રિ. પ્રાયમરી સ્કૂલના પરિસરમાં યોજાયેલી જીવન શિક્ષણ કાર્યશાળાના પ્રારંભમાં ડો. ગોઢાણીયા બી.એડ્. કોલેજના પ્રાચાર્ય ડો. હિનાબેન ઓડેદરાએ બી.એડ્.ના અભ્યાસક્રમના ભાગરૂપે જીવન શિક્ષણ કાર્યશાળા બી.એડ્.ના પ્રશિક્ષણાર્થીઓને ઉપયોગી બની રહેશે તેમ જણાવી સૌ મહાનુભાવોને આવકાર આપ્યો હતો.

મહર્ષિ શ્રી અરવિંદ કેન્દ્રના સેક્રેટરી ડો. જિજ્ઞેશભાઇ પ્રશ્નાણીએ કવિ રતિલાલ છાંયા રોડ, ભોજેશ્વર પ્લોટમાં આવેલ મહર્ષિ શ્રી અરવિંદ કેન્દ્રની આધ્યાત્મિક પ્રવૃત્તિઓ જણાવીને આ બે-દિવસીય કાર્યશાળા કાર્યક્રમની રૂપરેખા પ્રસ્તુત કરી હતી.  મહિલા કોલેજના ઇંગ્લીશ ડીપાર્ટમેન્ટના હેડ અને બાલ દેખિકા ડો. સુલભાબેન દેવપુરકરે શ્રી માતાજી અને મહર્ષિ શ્રી અરવિંદના જીવન અને કવનનો પરિચય આપ્યો હતો.

મહર્ષિ અરવિંદ સોસાયટીના અધ્યક્ષ અને લેખિકા ડો. જયોતિબેન થાનકીએ જણાવેલ કે દેશના વિદ્યા પુરૂષ ડો. ડી.એસ. કોઠારીનું વિધાન  ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઇ રહ્યું છે. આ વર્ગખંડમાં ભારતના ભાવિ ઘડનારાઓ શિક્ષકોએ જીવન જીવવાની કળા હસ્તગ્રત કરે તો આદર્શ શિક્ષકનો રોલ ભજવી શકે છે. આજે માત્ર વિદ્યાલક્ષી નહીં, પરંતુ જીવનલક્ષી કેળવણીને આવશ્યક છે.

ડો. વી.આર. ગોઢાણીયા બી.એડ્ કોલેજના ડાયરેકટર અને જાણીતા શિક્ષણવિદ ડો. ઇશ્વરલાલ ભરડાએ જણાવ્યું હતું કે, વસુધૈવ કુટુંબકમ ની ભાવનાને મૂર્તિમંત કરતું પોંડીચેરીનું ઓરોલિલ શ્રી અરવિંદ આશ્રમમાં દેશ-વિદેશના લોકો અભયાસ કરવા માટે આવે છે. આજે ઓરોવિલ વિશ્વ યુનિવર્સિટીને કેન્દ્ર બન્યું છે. મહર્ષિ અરવિંદ અને માતાજીના આદર્શો અને વિચારો થકી કારકીર્દી ઘડતરમાં શિક્ષણ નહીં કેળવણીની જરૂર છે તેમ જણાવ્યું હતું.

આ કાર્યશાળામાં સેક્રેટરી ડો. જિજ્ઞેશભાઇ પ્રશ્નાણીના માર્ગદર્શન તળે ડોડ જયોતિબેન થાનકી લિખિત જીવન શાસ્ત્ર અને સર્વાંગી શિક્ષણના બી.એડ્.ના ર૦૦ વિદ્યાર્થીઓના જૂથોમાં કાર્યનું વિભાજન કરવામાં આવેલ જેમાં જીવન શાસ્ત્રમાં ૧૪ જથો અને સર્વાંગી શિક્ષણમાં ૧ર જૂથો આ જૂથોના લીડરોએ પોતાના જૂથોનો અહેવાલ આપેલ. મહિર્ષ અરવિંદ અને માતાજીના વિચારો અમોને ધો. ૧૦-૧ર ની બોર્ડની પરીક્ષાઓમાં છાત્રોનો તણાવ દૂર કરવામાં ઉપયોગી બનશે તેવો ભાવ વ્યકત કર્યો હતો.

કાર્યશાળામાં ડો. જયોતિબેન થાનકી લિખીત 'જીવન શાસ્ત્ર' અને 'સર્વાંગી શિક્ષણ' પુસ્તકો પર બી.એડ્ના અનુક્રમે પ્રશિક્ષણાર્થીઓના અનુક્રમે ર૦૦ વિદ્યાર્થીના ૧૪ જુથો પાડીને આ પ્રકરણો વાંચવા તેજ રીતે બીજા પુસ્તક પર ૧ર જુથો પાડીને આ પ્રકરણો વાંચવા અને ૧૪ જુથો અને ૧ર જુથોના લીડરોએ આ પુસ્તકના વિચારો પોતાની મૌલિક ભાષામાં રજુ કર્યા હતા. વિદ્યાર્થીઓએ શ્રી માતાજી અને શ્રી અરવિંદના જીવન-કવન પરિચિત થયાનો આનંદ વ્યકત કરતા જણાવ્યું હતું કે ધો. ૧૦-૧રની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભારે તનાવગ્રસ્ત રહે છે. ત્યારે ધ્યાન-એકાગ્રસ્ત થકી આ તનાવ દુર કરવા ઉપયોગી બનશે તેવો ભાવ વ્યકત કર્યો હતો.

બી.એડ્. કોલેજના શિક્ષાર્થી તૃષિતા દવે, મૈત્રી થાનકી અને દેવન ચુડાસમાએ આ બે દિવસીય કાર્ય શિબિરના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે શિક્ષણ અને કેળવણી વચ્ચેનો ભેદ જાણવા મળ્યો અને શિક્ષણનો એક ઉદ્દેશ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે. યુવાનો માટેની આવી જાગૃતિ શિબિરની મુકત કંઠે પ્રશંસા કરી હતી.

શિબિરમાં સાધક સંજયભાઇ મકવાણા, હરીશભાઇ દવે, નીતાબેન મકવાણા, પ્રિ. પ્રાયમરી દક્ષાબેન મોકરીયા, બ્રિેજશભાઇ દેસારી, જલ્પાબેન ઓડેદરા, સુપ્રીરીટેન્ડ બાલુભાઇ ઉપાધ્યાય, જખરાભાઇ આગઠ સહિત સાધકો તેમજ બી.એડ્.ના ર૦૦ વિદ્યાર્થીઓ આ શિબિરમાં લાભ લીધો હતો.

(11:57 am IST)