Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

AAP અને AIMIM બન્નેને ગુજરાતની ચુંટણીમાં લઈ અવાયા છે: કોંગ્રેસી નેતા તારિક અનવરના ભાજપ ઉપર પ્રહારો

વડાપ્રધાન સહિત કેન્દ્રની સરકાર ચુંટણી પ્રચારમાં વ્યસ્ત, મોરબી હોનારતના મૂળમાં ભ્રષ્ટાચાર, વિપક્ષોને પાર્ટી ફંડ ન મળે એવા ભાજપના પ્રયાસો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪

 કચ્છમાં હળવી ઠંડી વચ્ચે રાજકીય માહોલ ગરમાટો જમાવી રહ્યો છે. આજે કચ્છ આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદ તારિક અનવરએ ભુજમાં પત્રકાર પરિષદ યોજી ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. આ વખતે ગુજરાતની ચુંટણીમાં સૌથી વધુ ચર્ચા આપ પાર્ટી (AAP)ના અરવિંદ કેજરીવાલ અને એઈએમઆઈએમ (AIMIM) અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીની છે. એ મુદ્દે તારિક અનવરે ભાજપ ઉપર તીર છોડતાં જણાવ્યું હતું કે, ગત ચૂંટણીમાં ભાજપની સત્તા માંડ માંડ જળવાઈ હોઈ આ વખતે આપ અને એઆઈએમઆઈએમ બન્ને પાર્ટીઓને ગુજરાત ચુંટણીમાં લઈ અવાઈ છે. ગુજરાત મોડેલ નિષ્ફળ હોવાનો આક્ષેપ કરી શ્રી અનવર એ ૧૩૩ જણાનો ભોગ લેનાર મોરબી હોનારતના મૂળમાં ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ કરી આરોગ્ય, શિક્ષણ, રોજગારી સહિતના મુદ્દાઓ અંગે સવાલો ઉઠાવ્યા હતા. મોરબી મુદ્દે ગુજરાત સરકારે જવાબદારી સ્વીકારી રાજીનામુ આપવું જોઈએ એવું કહેતાં તેમણે ભાજપની નીતિરીતિ સામે સવાલો કર્યા હતા. પ્રધાનમંત્રી સહિત સમગ્ર કેન્દ્રીય મંત્રી મંડળ જાણે કોઈ કેન્દ્રની ચુંટણી હોય એમ રાજ્યની ચુંટણીમાં પ્રચાર યુદ્ધ ચલાવી રહ્યા છે. મોંઘવારી ખૂબ વધી છે પણ સરકારને ફિકર નથી. કોંગ્રેસ ચુંટણી પ્રચાર માટે નીરસ છે એવું લાગી રહ્યું છે એવા મીડિયાના સવાલનો જવાબ આપતા પાંચ પાંચ ટર્મથી સાંસદ અને રાષ્ટ્રીય મહામંત્રી તારિક અનવરે કેન્દ્રની ભાજપ સરકાર ઉપર ખળભળાટ સર્જતો આક્ષેપ મૂક્યો હતો કે, વિપક્ષોને ફંડ ન મળે એવા પ્રયાસો ભાજપના છે. ફંડ આપનારાઓને તપાસના નામે હેરાન કરાય છે. કોંગ્રેસ વતી રાહુલ ગાંધી અને અન્ય નેતાઓની સભાઓ યોજાયા બાદ હવે પ્રિયંકા ગાંધી સહિત અન્ય રાષ્ટ્રીય આગેવાનો પણ ગુજરાતમાં ચુંટણી પ્રચાર માટે આવશે. ગુજરાતની આ ચુંટણીમાં પ્રજા કોંગ્રેસને ચુંટી કાઢશે એવો વિશ્વાસ એમણે વ્યક્ત કર્યો હતો. પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રવક્તા ઘનશ્યામસિંહ ભાટી, ગની કુંભાર, દીપક ડાંગર, અશરફશા સૈયદ, કિશોર ગઢવી, જુમા નોડે ઉપસ્થિત રહ્યા હતા.

 

(6:03 pm IST)