Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

સુરેન્‍દ્રનગર જિલ્લાની ૫ બેઠકો પર હીસાબો રજુ કરવામાં ૫૭માંથી ૧૬ ઉમેદવારો ઉણા ઉતર્યા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૪ : સુરેન્‍દ્રનગર જિલ્લાની ૫ બેઠકો પર મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે. ત્‍યારે હાલ ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્‍યારે ચૂંટણી વિભાગના નીયમ મુજબ ચૂંટણી જંગમાં ઝંપલાવનાર દરેક ઉમેદવારે કરેલા ખર્ચના હીસાબો રાખવાના હોય છે. અને તે સમયસર તંત્ર સમક્ષ રજુ કરવાના હોય છે. જિલ્લામાં ચૂંટણી ખર્ચના નોડલ ઓફીસર અને જિલ્લા વિકાસ અધીકારી પી.એન.મકવાણાએ અગાઉ આ માટેની તારીખો જાહેર કરી હતી. જેમાં જિલ્લાની દસાડા, લીંબડી, વઢવાણ અને ચોટીલામાં તા. ૨૧ અને ધ્રાંગધ્રામાં તા. ૨૨ના રોજ ઉમેદવારોએ પ્રથમ તબક્કાના ખર્ચના હીસાબો રજુ કરવાના હતા. ચૂંટણી જંગમાં ઝંપલાવનાર દરેક ઉમેદવાર રૂપિયા ૪૫ લાખ સુધીની મર્યાદામાં ખર્ચ કરી શકે તેવો ચૂંટણી વિભાગનો નીયમ છે. ત્‍યારે સમસયર ખર્ચના હીસાબો રજુ કરવામાં જિલ્લાના ૫૭જ્રાક્રત્‍નદ્મક ૧૬ ઉમેદવારો ઉણા ઉતર્યા છે. આથી પાંચેય બેઠકના આર.ઓ. દ્વારા પ્રથમ તબક્કાનો ચૂંટણી ખર્ચ સમયસર રજુ ન કરનાર ૧૬ ઉમેદવારોને નોટીસ પાઠવવામાં આવી છે. અને બીજા તબક્કાના સમયે ખર્ચના હીસાબો રજુ કરવા તાકીદ કરાઈ છે. જિલ્લાની ૫ બેઠકોમાંથી દસાડા, લીંબડી, વઢવાણ અને ચોટીલાના ઉમેદવારોએ તા.૨૫ અને ધ્રાંગધ્રાના ઉમેદવારોએ તા. ૨૬મીના રોજ બીજા તબક્કાના ખર્ચના હીસાબો રજૂ કરવાના છે.

 જિલ્લાની ૫ બેઠક પર ૫૭માંથી ૪૧ ઉમેદવારોએ જે ખર્ચના હીસાબો પ્રથમ તબક્કામાં રજુ કર્યા છે તેમાં સૌથી વધુ ખર્ચ લીંબડી બેઠક પર ભાજપના ઉમેદવાર કીરીટસીંહ રાણાએ કર્યો છે. તેઓએ ચૂંટણી ખર્ચમાં પ્રથમ તબક્કાના હીસાબોમાં રૂપિયા ૩,૫૧,૨૮૯ રૂપિયાનો ખર્ચ ચૂંટણી વિભાગ સમક્ષ રજૂ કર્યો છે.

સામાન્‍ય રીતે વિધાનસભા ચૂંટણીઓમાં સ્‍ટાર પ્રચારક દ્વારા કરાયેલ જાહેર સભાનો ખર્ચો પક્ષના ખર્ચામાં પડતો હોય છે. પરંતુ આ સભા દરમીયાન ઉમેદવારનું નામ પણ લેવાતુ નથી કે તેમનું ભાષણ પણ યોજાતુ નથી. ત્‍યારે તા. ૨૧ના રોજ સુરેન્‍દ્રનગરમાં વડાપ્રધાન અને ભાજપના સ્‍ટાર પ્રચારક નરેન્‍દ્રભાઇ મોદીની જંગી જાહેરસભા યોજાઈ હતી. આ જાહેરસભામાં જિલ્લાની પાંચેય બેઠકના ભાજપના ઉમેદવારોએ વારાફરતી ભાષણ કર્યુ હતુ. આથી જાહેર સભાનો ખર્ચ જિલ્લાની ૫ બેઠક પર ચૂંટણી લડતા ભાજપના ૫ ઉમેદવારો વચ્‍ચે સરખે ભાગે વહેંચાય તેવી શકયતા હાલ અધીકારી વર્ગમાં ચર્ચાઈ રહી છે.

ઝાલાવાડની ૫ બેઠકોમાંથી વઢવાણ બેઠક પર સૌથી વધુ ઉમેદવારોએ ખર્ચના હીસાબો રજુ કર્યા નથી. જિલ્લાની ૫ બેઠકમાં કુલ ૧૬ ઉમેદવારોએ ખર્ચના પ્રથમ તબક્કાના હીસાબો ચૂંટણી વિભાગને આપ્‍યા નથી. જેમાંથી ૬ ઉમેદવારો વઢવાણ બેઠકના છે. વઢવાણ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો ઉપરાંત ૩ અપક્ષ ઉમેદવારોએ પણ ખર્ચના હીસાબો રજુ કર્યા નથી.

(10:55 am IST)