Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ચોટીલાના મેવાસામાં પાણીનો કકળાટ : ચુંટણી બહિષ્‍કારની ચિમકી

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા. ૨૪ : ચોટીલા તાલુકાનાં મેવાસા ગામનાં લોકોને છેલ્લા ત્રણેક મહિનાથી પીવાનું પાણી ન મળતા દેકારો બોલી ગયો છે. હજુ તો ચોમાસુ માંડ પુરૂ થયુ છે ત્‍યાં જ પાણીનો કકળાટ શરૂ થયો છે. ગામમાં વાસ્‍મો દ્વારા નાંખવામાં આવેલા નળમાં હજુ સુધી પાણી આવતું ન હોવાથી આ નળ શોભાના ગાંઠીયા જેવા બની ગયા છે. તંત્ર દ્વારા તાત્‍કાલીક પાણીની વ્‍યવસ્‍થા કરવામાં નહી આવે તો ગ્રામજનો દ્વારા વિધાન સભાની ચૂંટણીનો બહિષ્‍કાર કરવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી છે.

આશરે ૨૫૦૦થી ૩૦૦૦ની વસ્‍તી ધરાવતા આ ગામમાં ૨૨૦૦થીવધુ પશુધન છે. આ તમામને પીવાના પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે. ગામમાં નલ સે જલ યોજના સાવ નિષ્‍ફળ ગઈ હોય તેમ વાસ્‍મો દ્વારા ત્રણ-ચાર મહિના પહેલા પાણીના નળ કનેકશન આપીને નળ ફીટ કરવામાં આવ્‍યા છે પરંતુ આ નળમાં હજુ સુધી પાણીનું એક ટીપુ આવ્‍યુ નથી. કેટલીક જગ્‍યાએ તો પાણી આવે તે પહેલા નળ તુટી ગયા છે. ત્રણેક મહિનાથી પાણી માટે મહિલાઓ રઝળપાટ કરતી જોવા મળે છે. અને દુરદુર સુધી પાણી ભરવા જવુ પડે છે.  પશુધનને પાણી પીવડાવવા પશુપાલકોને દુરદુરના વાડી વિસ્‍તારોમાં જઈ કેરબામાં પાણી ભરીને લાવવુ પડે છે. ગામમાં રહેતા એક સજ્જને પાણીનો બોર હોવાથી તેમણે ગ્રામજનો માટે બોર ખુલ્લો મુકી દીધો છે, પરંતુ ત્‍યાં પણ પાણી માટે ગીર્દી થાય છે.   બોરનું પાણી પીવાલાયક તો છે પરંતુ મીઠુ નથી. તેમ છતાં ગ્રામજનો આ પાણી પીવા મજબુર થવું પડયું છે. તંત્રને આ બાબતે અવારનવાર રજુઆતો પણ કરવામાં આવી છે. ગામના આગેવાન ભીખાભાઈ લઘરાભાઈ ફરિયાદ કરતા જણાવે છે કે, ગ્રામપંચાયત દ્વારા અનેકવાર રજુઆતો કરવામાં આવી છે. પરિણામે રોષની લાગણી ફેલાવા પામેલ છે. ગ્રામજનો દ્વારા પાણીની તાત્‍કાલીક વ્‍યવસ્‍થા નહી થાય તો ચૂંટણીનો બહિષ્‍કાર કરવાની ચિમકી પણ આપવામાં આવેલ છે.

(10:45 am IST)