Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

મોરબી બ્રાંચ કેનાલ ચાલુ કરવાની માંગ સાથે ખેડૂતોએ કર્યો હાઇવે ચક્કાજામ

મોરબી તા. ૨૪ : મોરબી જીલ્લામાંથી નર્મદાની ત્રણ બ્રાંચ કેનાલ પસાર થાય છે જોકે આમ છતાં ખેડૂતોને રવિપાક માટે સિંચાઈના પાણી માટે આંદોલનનો માર્ગ અપનાવવો પડે છે. માળિયાના ખેડૂતો છેલ્લા પાંચ દિવસથી સતત ઉપવાસ આંદોલન કરી રહ્યા છે તો હવે મોરબીના ખેડૂતોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે.

મોરબીના આંદરણા ચરાડવા નજીકથી પસાર થતી નર્મદા મોરબી બ્રાંચ કેનાલમાં પાણી ના હોવાથી રવિપાક માટે સિંચાઈના પાણીની માંગ સાથે ખેડૂતોએ આવેદન પાઠવ્યું હતું તેમજ હળવદ-ધ્રાંગધ્રામાં થતી પાણીચોરી રોકવા માટે આવેદન પાઠવ્યું હતું. જોકે હજુ સુધી ખેડૂતો સુધી પાણી પહોંચ્યું નથી જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ આજે હાઈવે ચક્કાજામ કર્યો હતો. આંદરણા ચરાડવા નજીક ૧૩ ગામના ખેડૂતો એકત્ર થઈને હાઈવે ચક્કાજામ કર્યો હતો જેથી વાહન વ્યવહાર સ્થગિત થયો હતો અને ખેડૂતો પાણીની માંગ સાથેના સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવી રહ્યા છે.

(1:08 pm IST)