Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

ભગવાનનાં પ્રસાદનો મહિમા અનેરોઃ પૂ. લાલદાસબાપુ

ઉપલેટાનાં ગધેથડ ગાયત્રી આશ્રમે નૂતન વર્ષની પ્રથમ પૂનમની ઉજવણીમાં ભાવિકો ઉમટયા

ધોરાજી તા.૨૪: કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર દિવસે ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. આ પ્રસંગે પ્રથમ વખત ગધેથડ ગાયત્રી આશ્રમની મુલાકાતે આવેલ હાસ્ય કલાકાર અને લેખક જગદીશ ત્રિવેદી એ પોતાના પ્રવચનમાં જણાવેલ કે મારી ૫૧ વર્ષની ઉમરમાં આ ગાયત્રી આશ્રમમાં પ્રથમ વખત આવ્યોં છું પણ લાલદાસબાપુની સાધના જોઇ હું મારી જાતને ધન્ય અનુભવું છું. લાલદાસ બાપુએ ૪૫ વર્ષની સાધનામાં આજ દીન સુધી મોબાઇલ ફોન, ટી.વી., કાર, સ્કુટરનો ઉપયોગ કર્યો નથી માત્ર બે પૈડાવાળી સાયકલ આશ્રમમાં રાખી છે સાહેબ આને કહેવાય સાધુતા...!

આજે આપણે આાશ્રમો જોયા છે મર્સીડીઝ-ઓડી-કાર હોય વૈભવી સાધુનુ જીવન હોય એ ભાઇ સાધુતા ન કહેવાય...ભાઇ સાધુતાનો લાલદાસ બાપુને કહેવાય ભાઇ... જેને સાધના સીવાઇ બીજુ કંઇ જ જોયું નથી...

લોક સાહિત્યકાર અમુદાન ગઢવીએ બતાવેલ કે વિશ્વભરમાં મે કાર્યક્રમો આપ્યા છે. પણ ગધેથડ ગાયત્રી આશ્રમ માં જે મને આનંદ થયો છે  એવો બીજે કયાય આનંદ થયો નથી...! લાલદાસ બાપુ મને જયારે જયારે બોલાવશે હું કાર્યક્રમ આપવા આવીશ અમુદાન ગઢવીએ લોકસાહિત્યની અનેક વાતો કરેલ હતી.

ગધેથડ ગાયત્રી આશ્રમના મહંતશ્રી લાલદાસબાપુએ જણાવેલ કે ઘણા લોકો એમ કહે છે કે અમે મંદિરના ધર્માદાનું જમતા નથી...! પણ મારે તમને કહેવું છે કે તમે જે બાર કે ઘરે જમો છો એ પણ સામગ્રી ભગવાને જ બનાવી છે તમે એક દિવસ મંદિરનું જમો અને એક કલાક શાંત ચિતે ધ્યાનમાં બેસો જો તમને શંુ વિચારો આવે છે...! ભાઇ ભગવાનનો પ્રસાદ લીધા બાદ તમારા જીવનના અનેક ખરાબ વિચારો બંધ થઇ જાય છે. એટલે જ પ્રસાદનો મહિમાં અનેરો છે.

ભગવાને તમને ઘણુંબધું આપ્યું છે. છતાં તમે ૨૦ રૂપિયાના શ્રીફળની માનતા કરી ઘણુંબધું માંગણી કરો છો...! પણ ભગવાનને બધી જ ખબર છેે કે તમારે શું જોઇએ છે. ભકિતમાં કાંઇ માગવું નહીં ભગવાન તમને જોઇતું બધું જ આપશે.

કાર્તિકી પૂણિર્માના સમારોહમાં રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા, ગુજરાત નાટય અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટ,(સંગીતકાર) અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઇ રાઠોડ, ઉપલેટાના મેહુલભાઇ ચંદ્રાવાડીયા, ગધેથડના સુખદેવસિંહ વાળા, લોક સાહિત્યકાર અમુદાન ગઢવી, હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી, ધોરાજી ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, બાબુભાઇ જાગાણી(એડવોકેટ), જામનગરના ઉદ્યોગપતિ કનકસિંહ બાપુ, કેયુરભાઇ બારોટ, વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

અને કાર્તિકી પૂર્ણિમાં ઉત્સવમાં ૧૦ હજાર ભાવિક-ભકતોએ મહાપ્રસાદ-મહાઆરતી-આશીર્વાદ વિગેરેનો લાભ લીધો હતો.

(11:41 am IST)