Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

જામનગરમાં નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય 10 હજારની લાંચ લેતા ઝડપાયો

ફટાકડાના લાઈસન્સ આપવાના અભિપ્રાય આપવા માટે લાંચની માંગણી : એસીબીએ છટકું ગોઠવી ઝડપી લીધા : મહેસુલ કર્મચારી મંડળના પ્રમુખ અને નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય અગાઉ પણ એસીબીની ઝપટે ચડી ચુક્યા છે

જામનગરના મહેસુલ કર્મચારી મંડળના પ્રમુખ અને નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય  લાંચ લેતા પકડાઈ જતાં અન્ય કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો છે.

જામનગરમાં  ફટાકડાના લાયસન્સ મુદે નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગઈ છે.  જામનગરના મહેસુલ કર્મચારી મંડળના પ્રમુખ અને નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય  લાંચ લેતા પકડાઈ જતાં અન્ય કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો છે. આ અધિકારી આ પહેલા પણ લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે.   મળતી માહિતી મુજબ જામનગર શહેર મામલતદાર કચેરીના એક અધિકારીને લાંચ લેતા ગોકુલનગર નજીકથી ACBએ ઝડપી પાડ્યા છે. કર્મચારી ફટાકડાના લાઈસન્સ આપવાના અભિપ્રાય આપવા માટે રૂ.૫૦૦૦/- થી રૂ.૧૦૦૦૦/- લાંચ પેટે માંગણી કરે છે. લાંચના રૂપિયા ન મળે ત્યાં સુધી ફટાકડા વેચનાર વેપારીને લાઈસન્સ મેળવવા અભિપ્રાય આપવામાં આવતો નથી.

અધિકારીને ઝડપવા માટે ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ડીકોયરની મદદ લેવામાં આવી હતી. આ કામના આરોપીએ સહકાર આપનાર ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી ડિકોયર પાસે લાઈસન્સના અભિપ્રાય આપવાના અવેજ પેટે ગેરકાયદેસર લાંચની રકમ રૂ.૧૦૦૦૦/- ની માંગ  કરી હતી અને તેમને રંગે હાથ ઝડપી લેવામાં  આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય આ અગાઉ દરબારગઢ ઝોનલમાં ફરજ બજાવતા હતા.  તે સમયે પણ તેઓ એસીબીના છટકામાં આવી ચુક્યા હતા, અને ફરીથી તેઓને નોકરીમાં લેવામાં આવ્યા હતા. ત્યારે તેઓ હાલ શહેર મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા હતા, અને આજે લાંચ લેતાં ઝડપાઈ જતાં જામનગરના મહેસુલી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. 

(11:54 pm IST)