Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ભચાઉમાં મહિલાની સોનાની બંગડી લૂંટી શખ્સો પલાયન

ધોળેદિવસે મહિલા સાથે લૂંટ ઘટના બની : નવરાત્રિના પર્વની વચ્ચે કોરોના કાળમાં જ્યારે તહેવારો પણ ઝાંખા છે તેવામાં દિનદહાડે લૂંટની ઘટના બની છે

કચ્છ,તા.૨૪ : કચ્છના ભચાઉનમાં આજે ધોળે દિવસે લૂંટની એક ઘટના સામે આવી છે. નવરાત્રિના પર્વની વચ્ચે કોરોના કાળમાં જ્યારે તહેવારો પણ ઝાંખા છે તેવામાં દિનદહાડે મહિલા સાથે લૂંટની ઘટના બની છે. ભચાઉના રામવાડી વિસ્તારમાં ભદ્ર સમાજના એક મહિલાને ઠગ લોકોએ લૂંટી લેતા હાહાકાર મચી ગયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે પરંતુ ત્યાં સુધીમાં ઠગ લૂંટ ચલાવી રફૂચક્કર થઈ ગયા હતા. બનાવની વિગત એવી છે ભચાઉના રામવાડી પાસે જૈન મહિલા આજે સવારે જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ઇસમ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા અને તેમના હાથમાં પહેરેલી સોનાની બંગડી લૂંટી લેવામાં આવી હતી. મહિલાને ડરાવી અને ગઠિયાઓ બંગડી લૂંટી અને રફૂચક્કર થઈ ગયા હતા. જોકે, મહિલાએ ત્યારબાદ પરિવારને જાણ કરતા મામલો સામે આવ્યો હતો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. માતાજીની આરાધનાના પર્વમાં એક શક્તિ સ્વરૂપા મહિલાની ધોળે દિવસે લૂંટની ઘટનાએ ભચાઉ પોલીસને પડકાર ફેંક્યો છે. પ્રાપ્ત અહેવાલો મુજબ ભચાઉનો રામવાડી વિસ્તાર અસુરક્ષિત બન્યો છે કારણ કે અહીંયા નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે ૨૧મી સદીમાં પણ સીસીટીવી કેમેરા કામ નથી કરી રહ્યા અને વિકાસ ધૂળ ખાતે નજરે પડે છે. સીસીટી બંધ હોવાના કારણે લૂંટારુંને શોધવામાં પડકાર પડશે. દરમિયાન જગ્યાએ દોઢ વર્ષ પહેલાં પણ લૂંટની ઘટના બની હતી.

(7:34 pm IST)