Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

પૈસાની લેતી-દેતીમાં ધ્રાંગધ્રા તાલુકા યુવા ભાજપના પ્રમુખનો છરી વડે હુમલો

વઢવાણ, તા.૨૪: ધ્રાંગધ્રા તાલુકા યુવા ભાજપ પ્રમુખ અને એપીએમસીના ડિરેકટરે એક શખ્સને મારમારી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ભોગ બનનારે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી જયારે ભાજપના આગેવાન સામે ફરિયાદ નોંધાતાં સ્થાનિક ભાજપના રાજકારણમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો.

ફરિયાદી ભરતભાઈ જીતેન્દ્રભાઈ પુજારા ઉ.વ.૩૬ રહે.ધ્રાંગધ્રાવાળાને કરશભાઈ પટેલ થડાવાળાને રૂ.૧.૨૮ લાખ જેટલી રકમ આપવાની થતી હોય તે અંગે તેઓ સાથે ટેલીફોનીક વાતચીત કરતાં કરશનભાઈએ અન્ય વ્યકિત મનિષભાઈ પટેલ હામપરવાળા(આરોપી)ને આ રકમ આપી દેવાનું જણાવ્યું હતું. પરંતુ મનીષભાઈએ આ રકમ તેમનાં શો-રૂમ પર આવી આપી જવાનું જણાવ્યું હતું.ઙ્ગ

આથી શો-રૂમમાં આપવાને બદલે ફરિયાદી બેન્ક તરફ જતાં હતાં તે દરમ્યાન મનિષભાઈ પટેલ બાઈક પર આવી ફરિયાદીની કાર પાસે આવી કપાળના ભાગે છરી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી તેમજ ગાળો આપી હતી અને પોતાના શો-રૂમ પર રૂપિયા કેમ ન આવ્યાં તેમ જણાવી દાદાગીરી કરી નાસી છુટયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત ફરિયાદીએ હોસ્પીટલ ખાતે સારવાર લીધી હતી અને આ મામલે આરોપી મનીષભાઈ કાનજીભાઈ પટેલ સામે સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.ઙ્ગ

જયારે આરોપી પોતે ધ્રાંગધ્રા તાલુકાના યુવા ભાજપ પ્રમુખ તેમજ એપીએમસીના ડીરેકટર હોય પોલીસ દ્વારા કેવા કડક પગલાં ભરવામાં આવે તેના પર સૌની મીટ મંડાઈ છે જયારે આ બનાવથી સ્થાનિક ભાજપના રાજકારણમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો અને કયાંકને કયાંકને ભાજપના હોદ્દેદારની દાદાગીરી પણ સામે આવી હતી.

(1:09 pm IST)