Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

માણાવદરની રૂ. રપ લાખની આંગડીયા લૂંટ પ્રકરણમાં શકમંદોની પુછપરછ

નજીકનાં સમયમાં ભેદ ઉકેલાય જશેઃ એસ.પી. સૌરભ સિંઘ

જૂનાગઢ તા. ર૪ :.. માણાવદરની રૂ. રપ લાખની આંગડીયા લૂંટ પ્રકરણમાં પોલીસે શકમંદોની પુછપરછ હાથ ધરી ભેદ ઉકેલવા માટેના પ્રયાસો વધુ સજ્જ કર્યા છે.

માણાવદર ખાતે રહેતા અને બાંટવામાં આંગડીયા પેઢી ધરાવતા લોહાણા યોગેશભાઇ ગોંધીયા ઉપર સોમવારની રાત્રે માણાવદર નજીકનાં સુલતાનાબાદ પાસે અજાણ્યા શખ્સો હૂમલો કરી રૂ. ર૦ થી રપ લાખની રોકડ સાથેનાં થેલાની લુંટ ચલાવીને નાસી ગયા હતાં.

આ લૂંટનાં મુળ સુધી પહોંચવા એસ. પી. સૌરભ સિંઘના સતત માર્ગદર્શન હેઠળ  ડીવાયએસપી ગઢવી, એમ. એસ. રાણા, ક્રાઇમ બ્રાંચ પીઆઇ આર. કે. ગોહીલ, એસઓજી પી. આઇ. જે. એમ. વાળા વગેરે તપાસ ચલાવી રહ્યા છે.

એસ.પી. સૌરભ સિંઘે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, સીસી ટીવી ફુટેજનાં આધારે તપાસ ચાલી રહી છે. લૂંટનાં બનાવ સંદર્ભે ૮ થી ૧૦ જેટલા શકમંદોની પણ પુછપરછ હાથ ધરવામાં આવી છે.

પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે વધુમાં જણાવેલ કે, લૂંટની ઘટનાનો ભેદ પામવા માટે તમામ પાસા ચકાસવામાં આવી રહ્યા છે. અને નજીકનાં સમયમાં ભેદ ઉકેલાય જવાની શકયતા છે. (પ-૧૮)

(4:12 pm IST)