Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

શનિવારે વિજયભાઇ રૂપાણી જુનાગઢમાં ૧ર હજાર વિદ્યાર્થીઓને ટેબલેટ અપાશે

જુનાગઢ, તા. ર૪ : ભારત સરકારના ડીજીટલ ઇન્ડિયા કાર્યક્રમ થકી વધુને વધુ ઉચ્ચ ગુણવત્તાયુકત ઇન્ટરનેટ સેવાઓ ઉપલબ્ધ થતા શહેરો સ્માર્ટસીટીમાં પરિવર્તિત થઇ રહ્યા છે. આ માટે રાજય સરકાર દ્વારા ગુજરાત રાજયમાં માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક તેમજ ડીપ્લોમા કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને રૂ. ૧૦૦૦ના ટોકન દરે ટેબલેટ પૂરા પાડવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આગામી તા. ર૭ના રોજ જૂનાગઢ ૧ર હજાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ટેબલેટ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યોજના અંતર્ગત આગામી તા. ર૭ શનિવારના રોજ સવારે ૧૦થી બપોરે ૧ર વાગ્યા દરમિયાન ગુણાતીતાનંદ સભામંડપ, અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર, જૂનાગઢ ખાતે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇના હસ્તે ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ (ર) કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ (૩) સોમનાથ સંકસૃત યુનિવર્સિટી તથા (૪) ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવનાર છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવો દ્વારા કાર્યક્રમમાં પ્રતિકરૂપ ટેબલેટનું વિતરણ કરવામાં આવશે.

પ્રથમ તબક્કામાં આજ સુધી થયેલ ૧પપપર રજીસ્ટ્રેશન પૈકી ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના નિયમન અને નિયંંત્રણ હેઠળ આવતા જુનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાની વિવિધ કોલેજોમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા કુલ ૧ર૦૦૦ વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કરવામાં આવશે. જુનાગઢ ખાતે ૬પ૦૦ વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ ર૯,૩૦ તથા ૩૧ અકોટબર-ર૦૧૮ દરમયાન વેરાવળ, પોરબંદર તથા દ્વારકા ખાતે જીલ્લા કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરી તમામ લાભાર્થી વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપરાંત કેબીનેટ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, રાજયકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, જુનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા, તથા સમગ્ર ઓર્ગેનાઇઝીંગ કમીટી પરો. જે.પી. મૈયાણી, (કુલપતિશ્રી, ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ), ડો. એ.આર. પાઠક (કુલપતિ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી), અંજુ શર્મા (પ્રીન્સીપાલ સેક્રેટરી, હાયર એન્ડ ટેકનિકલ એજયુકેશન), અવંતીકા સિંઘ (ડાયરેકટર ટેકનિકલ એજયુકેશન), ડો. સૌરભ પારધી (જુનાગઢ જિલ્લા કલેકટર) તથા એલ.પી. પાડલીયા (કમિશનર ગુજરાત રાજય, શિક્ષણ વિભાગ) વિગેરે મહાનુભાવોને આવકારવા તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા ઉપસ્થિત રહેશે. (૮.૧૦)

(2:56 pm IST)