Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

રજવાડાઓનું વિલિનીકરણ કરી અખંડ ભારતના નિર્માણના શિલ્પી સરદાર પટેલ

અમરેલી જિલ્લામાં એકતાયાત્રાનો પ્રારંભ કરાવતા સાંસદ કાછડીયા

અમરેલી, તા.૨૪: વડીયા તાલુકાના અમરાપુર, કુંકાવાવ મોટી, નાજાપુર, તોરી, ખાન ખીજડીયા, મોરવાડા, ઢુંઢીયા પીપળીયા, વડીયા, બાંટવા દેવળી અને દેવળકી ખાતે એકતા રથ ફર્યો હતો. સાસંદશ્રી નારણભાઇ કાછડીયા અને અમર ડેરી-અમરેલીના ચેરમેનશ્રી અશ્વિનભાઇ સાવલીયાએ એકતા રથમાં જોડાઇને તા.૩૧મીએ સરદાર સરોવર ખાતે સરદાર પટેલની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો હતો.

 

સાસંદશ્રી નારણભાઇ કાછડીયાએ જણાવ્યું હતુ કે, આઝાદી વખતે ૫૬૨ રજવાડાઓનું વિલિનીકરણ કરી અખંડ ભારતનું નિર્માણ કરનાર વિરલ વ્યકિતત્વ એટલે સરદાર પટેલ. સાસંદશ્રીએ આઝાદી વખતના ઇતિહાસ સાથે જુનાગઢ-હૈદરાબાદના પ્રસંગો વિશે જણાવી સરદાર પટેલની કૂનેહ અને નેતૃત્વના પ્રેરક પ્રસંગો કહ્યા હતા. તેમણે સરદાર સરોવર ખાતેની સરદાર પટેલની પ્રતિમાઓની ખાસિયતો જણાવી હતી. અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયાએ જણાવ્યું કે, આઝાદી વખતે નર્મદા સરોવરનો દ્રઢ સંકલ્પ કરનાર લોખંડી નેતૃત્વ સરદાર પટેલ અખંડ ભારતના શિલ્પી છે. વિરલ અને વિરાટ વ્યકિતત્વ એવા સરદાર પટેલના નેતૃત્વ અને કુશાગ્ર લોખંડી અભિગમને કારણે અખંડ ભારતનું નિર્માણ થયું, ભારતના નાગરિકોને ખરી લોકશાહીનો અનુભવ થઇ શકયો. અખંડ ભારતના નિર્માણમાં સરદાર પટેલ અને તેના દ્રઢ સંકલ્પોની મહત્વની ભૂમિકા છે.

એકતા રથ પહોંચતા ગ્રામજનોએ પારંપારિક રીતે સ્વાગત કર્યુ હતુ. અગ્રણીશ્રીઓ અને ગ્રામજનોએ એક ભારત નેક ભારત અને જય સરદારના નારા લગાવ્યા હતા.

કાર્યક્રમમાં મામલતદાર ઝાલા, તાલુકા વિકાસ અધિકારી, સહાયક તાલુકા વિકાસ અધિકારીશ્રી, પીએસઆઇ આહિર, અગ્રણી બાબાભાઇ મોવલીયા, વિજયભાઇ ડોબરીયા, વિનુભાઇ, ગોપાલભાઇ, સુભાષભાઇ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:10 pm IST)