Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

રાજયનાં ૫૧ તાલુકાની અછતગ્રસ્ત યાદીમાં

મોરબી તાલુકાનો સમાવેશ ન કરાતા ખેડૂતોમાં ભારોભાર વિરોધનો વંટોળ

જો તાકીદે મોરબી તાલુકાને અછતગ્રસ્ત જાહેર ન કરાય તો સરપંચો લડી લેવાના મુડમા

આમરણ તા.૨૪: સરકાર દ્વારા ગઇકાલે રાજયના ૫૧ તાલુકાઓનો અછતગ્રસ્ત જાહેર કરાયા છે તેમાં મોરબી તાલુકાનો સમાવેશ નહિં કરતાં ખેડૂતો અને રાજકીય આગેવાનોના વિરોધના વંટોળ સાથે ભારોભાર રોષની લાગણી જન્મી છે.

આમરણ ચોવીસી પંથકનાં ૧૪ ગામોને થોડા વર્ષ પહેલા મોરબી જિલ્લામાં ભેળવી દેવાયા છે. બાકીના ૧૦ ગામો હાલ જોડિયા તાલુકામાં છે. જોડિયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવતા ચોવીસી પંથકના અડધા ગામોને લાભ મળી શકયો છે જયારે મોરબી તાલુકામાં સમાવિષ્ટ ગામો લાભથી વંચિત રહી જવા પામ્યા છે. મોરબી અને જોડિયા તાલુકાના મધ્યબિંદુમાં રહેલા આમરણ ચોવીસી પંથકમાં દારૂણ સ્થિતિ હોવા છતાં મોટાભાગના ગામો બાકાત રહયા છે.

ઉપરોકત બાબતે શાસકપક્ષ ભાજપના અગ્રણી અને જોડિયા તાલુકા પંચાયત કારોબારી પૂર્વ અધ્યક્ષ કુસુમબા સિદ્ધરાજસિંહ જાડેજાએ કૃષિમંત્રી તથા મોરબી જિલ્લા કલેકટર વગેરેને આવેદનપત્ર પાઠવી રજુઆત કરતાં જણાવ્યું છે કે, ઓણસાલ આમરણ ચોવીસી પંથક સહિત સમગ્ર મોરબી તાલુકામાં ૭૫ મી.મી. જેટલો નજીવો વરસાદ થયેલ છે. થોડા ઘણા વિસ્તારોમાં જે કાંઇ પાક ઉભો હતો તે પાણીના અભાવે સદંતર નિષ્ફળ ગયો છે. સિંચાઇ સુવિધા નથી. વરસાદ આધારીત ખેતી છે. ખેડૂત આર્થિક દેવામાં ડુબી ગયા છે. નજરે દેખાતી દુષ્કાળની ભયાનક સ્થિતિ છે તેમ છતાં જાણવા મળતી માહિતી મુજબ સરકારી વરસાદી આંકડાની રમતમાં દારૂણ સ્થિતિ હોવા છતાં મોરબી તાલુકાને અછતગ્રસ્તમાં સમાવેશ નહિં કરીને અન્યાયકારી વલણ અપનાવ્યું છે જેને કારણે પ્રજામાં તીવ્ર રોષની લાગણી જન્મી છે.

આાગામી બે-ત્રણ દિવસમાં જ મોરબી તાલુકાના ૫૧ ગામોના સરપંચોની એક બેઠક બોલાવવાનંુ આયોજન ઘડવામાં આવી રહયું છેે જેમાં સરકાર સામે આગામી રણનીતિ ઘડવામાં આવશે તાકિદે મોરબી તાલુકાને અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા માગ કરવામાં આવી છે.(૧.૪)

(9:40 am IST)