Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

ભાવનગરમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને એન્જીનીયરીંગ એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ( EEPC ) નાં સંયુક્ત ઉપક્રમે નિકાસ જાગૃતિ સેમીનાર યોજાયો

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી – ભાવનગર અને ભારત સરકાર સરકારનાં એન્જીનીયરીંગ એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ – અમદાવાદનાં સંયુક્ત ઉપક્રમે ભાવનગર ખાતે નિકાસને વેગ મળે તે હેતુથી RODTEP ( Remisslon of Duties and Taxes on Export Products ) યોજના પર વિશેષ જાગૃતિ સેમીનાર યોજાયેલ . કાર્યક્રમના પ્રારંભમાં પ્રમુખ દિલીપભાઈ કમાણીએ શાબ્દિક સ્વાગત કરતા જણાવેલ કે ભાવનગર જીલ્લામાંથી દિન - પ્રતિદિન એક્ષ્પોર્ટનું પ્રમાણ વધતું જાય છે તે ગૌરવની બાબત છે . ભાવનગર જીલ્લો એક્ષ્પોર્ટનું હબ બને તે માટે સરકાર અને અમારી સૌરાષ્ટ્ર ચેમ્બર પ્રયત્નશીલ છે અને આ પ્રયત્નોનાં ફળસ્વરૂપે એક્ષ્પોર્ટ માટે લોક જાગૃતિમાં પણ વધારો થયેલ છે .

 ડાયરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ - રાજકોટનાં જોઈન્ટ ડાયરેક્ટર જે . એમ . બિશ્નોઇએ ડીજીએફટી તરફથી એક્ષ્પોર્ટરોને પ્રાપ્ત થતી વિવિધ સુવિધાઓ અને યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપેલ . તેઓએ જણાવેલ કે નવી એક્ષ્પોર્ટ પોલીસી ટૂંક સમયમાં લોન્ચ થઈ રહી છે , આ ઉપરાંત ભારત સરકાર દ્વારા ૫૦ દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવેલ છે જે બાબત પણ એક્ષ્પોર્ટ વૃદ્ધિને વેગ આપશે . એક્ષ્પોર્ટ ક્રેડીટ ગેરંટી કોર્પોરેશનનાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર રાજેશ મોદકએ ECGC વિવિધ સ્કીમો અંગે વિસ્તૃત જાણકારી આપેલ . તેઓએ જણાવેલ કે નાના નિકાસકારો માટે ૯૦ % સુધી નિકાસ ક્રેડિટ જોખમ વીમા કવર પ્રદાન કરતી નવી યોજના રજૂ કરવામાં આવેલ છે . તદુપરાંત ૫ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા નાના નિકાસકારો માટે નિકાસ જોખમને કવર કરતી સ્કીમ પણ કાર્યરત છે . કાર્યક્રમનાં મુખ્ય વક્તા અને એક્ઝીમ એક્ષ્પર્ટાઇઝનાં ડાયરેક્ટર બાબુ એઝુમએવિલએ ભારત સરકારની RoDTEP ( Rermission of Duties and Taxes on Export Products ) સ્કીમ વિષે વિસ્તૃત જાણકારી આપતા જણાવેલ કે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લીસ્ટ મુજબ પ્રોડક્ટ પર FOB વેલ્યુ પર ૧ થી ૩ ટકા જેટલી રકમનું રીફંડ આપવામાં આવે છે . આ યોજના હેઠળ કરવામાં આવતા એક્ષ્પોર્ટ પર લેવામાં આવતી ટેક્ષ ડ્યુટી ટ્રાન્સફરેબલ હોય છે જે ઈમ્પોર્ટમાં સીધી જ ક્રેડીટ આપવામાં આવે છે . જીલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં જનરલ મેનેજર પી.પી.તડવીએ જણાવેલ કે જીલ્લામાંથી એક્ષ્પોર્ટનું પ્રમાણ વધે તે માટે જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર સતત પ્રયત્નશીલ છે અને તેઓએ ઉદ્યોગ સાહસિકોને સ્ટાર્ટ - અપ અંગેની સ્કીમનો પણ મહત્તમ લાભ લેવા અનુરોધ કરેલ .

એન્જીનીયરીંગ એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલનાં સીનીયર ડેપ્યુટી ડાયરેક્ટર સુધાકરન નાયરએ એન્જીનીયરીંગ ઉદ્યોગમાં એક્ષ્પોર્ટમાં વૃદ્ધિ થાય તે માટે તેમની સંસ્થા સતત પ્રયત્નશીલ છે અને તે અંગેની વિવિધ સ્કીમો અંગે વિસ્તૃત જાણકારી આપેલ . લઘુ ઉદ્યોગ ભારતી - ભાવનગરનાં પ્રમુખ નીરવભાઈ કિકાણીએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ કે વિશેષ પ્રગતિ અને એક્ષ્પોર્ટ વૃદ્ધિ માટે ઇનોવેશન ખુબ જ મહત્વનું છે . ત્યારબાદ પ્રશ્નોત્તરી સેશનમાં એક્ષ્પોર્ટરોએ તેમના મુજવતા પ્રશ્નો રજુ કરેલ જેનાં ઉપસ્થિત વક્તાઓ દ્વારા સંતોષકારક પ્રત્યુત્તર આપવામાં આવેલ ..

આ પ્રસંગે સૌરાષ્ટ્ર ચેમ્બરના પૂર્વ પ્રમુખ  સુનિલભાઈ વડોદરીયા તથા ઉદ્યોગ સાહસિકો અને એક્ષ્પોર્ટરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ .સમગ્ર કાર્યક્રમનું સુપેરે સંચાલન સુધાકરન નાયરએ જ્યારે કાર્યક્રમનાં અંતે ચેમ્બરનાં માનદ મંત્રી અશોકભાઈ કોટડીયા દ્વારા આભારવિધિ કરવામાં આવેલ

(7:38 pm IST)