Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

જામનગરમાં લમ્‍પી વાયરસ સામે લાલ પરિવાર દ્વારા ગૌવંશ માટે મોબાઇલ એનીમલ એમ્‍બ્‍યુલન્‍સનો સેવાયજ્ઞ

જામનગર તા. ૨૪ : શહેરમાં ગૌવંશમાં તિવ્ર ઝડપે ફેલાયેલા લમ્‍પી વાયરસ સામે અબોલ પશુઓને રક્ષણ આપવા હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્‍ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્‍દ્ર લાલ) ફાઉન્‍ડેશનના ઉપક્રમે શહેરમાં મોબાઇલ એનીમલ ડીસ્‍પેન્‍સરી ઔષધયુકત વીસ હજારથી વધુ લાડવા, પશુઓ માટે પીવાનું ઔષધ સાથે બે વેટરનરી ડોકટર સાથે શહેર તથા આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સેવા શરૂ કરવામાં આવેલ હતી. જેમાં ૫૦૦થી વધુ ગૌવંશની સારવાર કરવામાં આવેલ. જેના અનુસંધાને ૧૨૫થી વધુ કમ્‍પલેઇન કોલ હેલ્‍પલાઇન નં. ૯૧૦૬૪ ૧૯૯૮૯ પર આવેલ અને આ સેવા અવિરત ચાલુ છે.

લાલ પરિવારના આ બંને ટ્રસ્‍ટો દ્વારા ઔષધયુકત લાડવા બનાવીને ગૌવંશને ખોરાક તરીકે શહેરના વિસ્‍તારોમાં વીસ હજારથી વધુ લાડવા આપવામાં આવ્‍યા હતા તેમજ શહેરના પ્રજાજનોને એનીમલ મોબાઇલ ડીસ્‍પેન્‍સરીનો હેલ્‍પલાઇન નંબરની જાણ કરવામાં આવતા શહેરના અસંખ્‍ય પ્રજાજનોએ પોત-પોતાના વિસ્‍તારમાં લમ્‍પી વાયરસગ્રસ્‍ત ગાયોને સારવાર આપવા માટે જાણ કરવામાં આવેલી અને આ ટ્રસ્‍ટના મોબાઇલ વાન દ્વારા તુરંત જ જે તે વિસ્‍તારોના નાગરિકોના ફોન પર મળેલ સુચના મુજબ લમ્‍પી વાયરસગ્રસ્‍ત ગૌ માતાઓને સારવાર આપવામાં આવેલી જેમાં બે વેટરનરી ડોકટર દ્વારા અસરગ્રસ્‍ત ગૌવંશને ફટકડીવાળા ઔષધીય પાણીથી સ્‍નાન કરાવવામાં આવેલ સાથે સાથે સાકરનું પાણી પીવડાવવામાં આવેલ તેમજ લમ્‍પી વાયરસ સામે રક્ષણ મેળવવા માટે વેકિસન આપી ઔષધ યુકત લાડુનું વિતરણ કરવામાં આવેલ. જેમાં માલધારી સમાજ, રબારી સમાજ તથા પશુપાલકોના ૧૦૦થી વધુ કાર્યકરોએ દોઢ માસ સુધી સેવા આપેલ.

(1:34 pm IST)