Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

કેશોદ યુ.કે.વાછાણી મહિલા કોલેજમાં નરસિંહ મહેતા યુનિવર્સિટીનો ચતુર્થ યુવક મહોત્‍સવ

 (કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા.૨૪ : કેશોદ  યુ.કે.વાછાણી મહિલા કોલેજ ખાતે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ની પ્રેરક ઉપસ્‍થિતિમાં ભક્‍ત કવિશ્રી નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચતુર્થ યુવક મહોત્‍સવનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ભાગવતાચાર્ય શ્રી રમેશભાઈ ઓઝા અને સાંસદશ્રી રમેશભાઈ ધડુક સહિતના મહાનુભાવો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચતુર્થ યુવક મહોત્‍સવમાં જણાવ્‍યું હતું કે ગુજરાતનો યુવાન આજે કલા કૌશલ્‍ય અને ટેકનોલોજી થી સજજ થઈ ઇનોવેટિવ આઈડિયા સાથે વિશ્વ કક્ષાએ અગ્રેસર છે. શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી એ ગુજરાતમાં નવી યુનિવર્સિટીઓનો પ્રારંભ કરાવીને યુવાને વિકાસની નવી દિશા આપી છે. આજે સમગ્ર દેશમાં વડાપપ્રધાનના નેતળત્‍વમાં યુવાઓને નવી નવી સફળ તકો  મળી રહેલછે ત્‍યારે ગુજરાત પણ યુવાઓના કૌશલ્‍ય અને આવડત સાથે પ્રયોગશીલ  પ્રોજેક્‍ટને પ્રોત્‍સાહિત કરીને નવી સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે.૩૬ મી નેશનલ ગેમ, ખેલ મહાકુંભ, કલા મહાકુંભ ઉપરાંત સંશોધાત્‍મક અભ્‍યાસોને પ્રોત્‍સાહન આપી રાજ્‍ય સરકારે વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને કલા કૌશલ્‍યમાં નિપુણ એવા યુવાનોને પ્‍લેટફોર્મ પૂરું પાડ્‍યું છે.અંતમાં મંત્રી વાઘાણીએ ભક્‍ત કવિશ્રી નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચતુર્થ યુવક મહોત્‍સવમાં સહભાગી થયેલા જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાની કોલેજના ૭૦૦ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ભાગવતાચાર્યભાઇશ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્‍યું હતું કે ભક્‍ત કવિશ્રી નરસિંહ મહેતા યુનિવર્સિટી ના કાર્ય ક્ષેત્રમાં પવિત્ર ભૂમિ છે. દ્વારકાધીશ થી સોમનાથ મહાદેવ અને ગિરનાર તપોભૂમિના મહાત્‍મય સાથે તેઓએ યુવાઓમાં રહેલી કલાની ચેતના ને ઉજાગર કરતા જણાવ્‍યું હતું કે યુવાઓમાં કલાનું સામર્થ્‍ય છે. રમતગમત કલા કૌશલ્‍ય ની સુષુપ્ત શક્‍તિઓને ખીલવવા માટે તેઓએ પ્રેરણાદાયી વાત કરી હતી. ભાઈશ્રીએ યુવક મહોત્‍સવમાં સહભાગી થયેલા તમામ યુવા ભાઈ બહેનોને શુભેચ્‍છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે સાંસદ રમેશભાઈ ધડુકે સરકાર દ્વારા શિક્ષણની સાથે સાથે ઈતર  પ્રવળત્તિને પ્રોત્‍સાહન અને રમત ગમત સહિત કલા ક્ષેત્રે યુવાઓને તક મળે તે માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને આવકાર્યા હતા.

 આ પ્રસંગે કેશોદ નગરપાલિકા  પ્રમુખશ્રી લાભુબેન પીપળીયા, શ્રી કંચનબેન દઢાણીયા, જૂનાગઢ જિલ્લાના ભાજપ પ્રમુખ  કિરીટભાઇ પટેલ,  પટેલ વિદ્યાર્થી આશ્રમ, કેશોદના પ્રમુખ જયેશભાઇ લાડાણી, કેમ્‍પસ ડાયરેક્‍ટર ભરતભાઇ વડારીયા, અરવિંદભાઇ લાડાણી, પ્રવિણભાઇ ભાલાળા,  સહિતના ઉપસ્‍થિત મહાનુભાવો રહ્યા હતાં. તેમજ યુનિવર્સીટીના સીન્‍ડીકેટ સભ્‍યો, નરસિંહ મહેતા  યુનિવર્સિટી  સ્‍ટાફ સહિતના આમંત્રિત મહેમાનો  ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે યુનિવર્સિટીના રજીસ્‍ટરશ્રી મયુર સોનીએ સ્‍વાગત પ્રવચન કર્યું હતું. અભારવિધિ પ્રિ. ડૉ.સી.બી. કગથરા એ અને કાર્યક્રમનું સંચાલન પ્રો. ડૉ. ઉષાબેન લાડાણી એ કર્યું હતું.

(1:28 pm IST)