Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

મોરબીમાં પાણીપુરીનો સાામાન ખરીદવા જતા યુવક પર ટ્રેલર કાળ બનીને ત્રાટકયું : કમકમાટીભર્યું મોત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૪ : મોરબીમાં પાણીપુરીનો સમાન ખરીદવા જતા યુવક પર ટ્રેલર કાળ બનીને ત્રાટકયું હતું અને તેના પરથી ટ્રેલરનું ટાયર ફરી વળતા યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. સમગ્ર મામલે યુવકના કૌટુંબિક ભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે.

મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ વાંકાનેરના જુના ઢુવા ગામે ઓરડીમા ભાડેથી રહેતા અને પાણીપુરી વેંચતા લલ્લુભાઇ મુન્નાભાઇ નિશાદએ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, તેઓ તેમના ટીવીએસ લુના મોટરસાઇકલ નં. GJ-36-A-5513 પર તેમના ભાઈ સોવરન બાબુરામ નિશાદ મોરબી ખાતે પાણીપુરીનો સમાન ખરીદી કરી પરત આવતા હોય ત્‍યારે લલ્લુભાઇ મોટર સાઈકલ  ચલાવતા હતા અને સોવરનભાઈ પાછળ બેઠા હતા. મોરબી-વાંકાનેર ને.હા. રોડ ઉપર સરતાનપર રોડની ચોકડી પાસેથી જયારે તેઓ પસાર થઈ રહ્યા હતા. એ સમયે આરોપીએ પોતાના હવાલા વાળુ ટ્રક ટ્રેલર નં. RJ-09-GD-7033 પુરપાટ વેગે હંકારીને ગફલતભરી રીતે માણસોની જંદગી જોખમાય તે રીતે ચલાવી લલ્લુભાઇના વાહનને પાછળથી ઠોકર મારી અડફેટે લીધા હતા.

જેને પગલે સોવરનભાઈ વાહન સાથે ટ્રેલરના ટાયર તરફના ભાગ પર ફસડાઈ પડ્‍યા હતા અને એ સમયે સોવરનભાઈ પર ટ્રેલરનું ટાયર ફરી વળ્‍યું હતું. જેથી તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે અકસમાત સર્જી ટ્રેલર ચાલક ફરાર થયો હતો. આ અકસ્‍માત દરમિયાન લલ્લુભાઇ બીજી તરફ પડી ગયા હતા. જેથી કુદરતી તેમને આ અકસ્‍માતમાં કોઈ ઇજા પહોંચી ન હતી. અને તેમણે આસપાસના લોકોને બોલાવી એમ્‍બ્‍યુલન્‍સ મારફત સોવરનભાઈને મોરબીની સરકારી હોસ્‍પિટલમાં ખસેડ્‍યા હતા. જ્‍યાં ફરજ પરના તબીબે સોવરનભાઈને મળત જાહેર કર્યા હતા. આ ફરિયાદીના આધારે ઇ.પી.કો. કલમ-૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એ. કલમ-૧૮૪, ૧૭૭, ૧૩૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2:57 pm IST)