Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

ભૂગર્ભ ગટર વારંવાર છલકાતા થાનગઢ પાલિકામાં હોબાળો મચાવી તોડફોડ

ટોળામાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉમટી આખરે પોલીસ બોલાવાતા મામલો થાળે પડયો

વઢવાણ,તા.૨૪ : થાનગઢ ખાતે નાંખવામાં આવેલી ભૂગર્ભ ગટર વારંવાર ઉભરાતી હોવાની જુદા જુદા વિસ્તારોમાંથી ફરિયાદો ઉઠવા પામી છે. વોર્ડ નં.૫ના રહીશોએ આ સમસ્યાથી કંટાળી નગરપાલીકા કચેરીમાં હોબાળો મચાવી તોડફોડ કરી હતી. તેના પગલે પોલીસ બોલાવવી પડી હોવાની ઘટના સામે આવી છે.

 વોર્ડ નં.૨ માં બે દિવસ પહેલા ભુગર્ભ ગટર મામલે નગરપાલીકાનાં સેનીટેશન વિભાગનાં ચેરમેન અને રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલીની ઘટના બન્યા બાદ શુક્રવારે શહેરનાં વોર્ડ નં.૫ ના રહિશો દ્વારા ભુગર્ભ ગટર ઉભરાવા બાબતે નગરપાલીકામાં હલ્લાબોલ કર્યો હતો. ભુગર્ભ ગટર ઉભરાઈને આખી શેરીમાં ગંદુ પાણી ફરી વળતું હોવાની ફરીયાદ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના રહીશો નગરપાલીકા કચેરીએ ધસી ગયા હતા. અવાર-નવાર રજુઆતો કરવા છતાં ઉકેલ નહીં આવતો હોવાથી રોષે ભરાયેલા રહીશોએ નગરપાલીકામાં તોડફોડ પણ કરી હતી. આખરે પોલીસ બોલાવાતા મામલો થાળે પડયો હતો.

ખોટી અરજી અંગે રજુઆત

લખતર તાલુકાનાં ભાથરીયા ગામે ચાવડા પરિવારનાં આંઠેક જેટલા સભ્યો ખોટી અરજીઓ અને ખોટા કેસ કરવાની ટેવવાળા હોવાથી ગ્રામજનો પરેશાન થઈ ગયા હોવાની ફરિયાદ સાથે ગ્રામજનોએ મામલતદાર કચેરીએ ધસી જઈ ખોટી અરજીઓ કરતા આ શખ્સો સામે કડક પગલા ભરવા માંગણી કરવામાં આવી હતી. કાયદાનો ગેરલાભ ઉઠાવીને અવારનવાર ખોટી અરજી અને કેસો કરવામાં આવતા હોવાથી ગ્રામજનો પરેશાન થઈ ગયા હોવાનું આ રજૂઆતમાં જણાવાયુ છે.

(11:44 am IST)