Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

જૂનાગઢમાં શ્વાનનો ત્રાસઃ એક દિવસમાં આઠ લોકોને કુતરૂ કરડયુ

સિવિલ હોસ્‍પિટલમાં એક વર્ષમાં ૩,૮૮૧ કેસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૪: જૂનાગઢ શહેરમાં શ્વાનનાં ત્રાસથી નગરજનો પરેશાન થઇ ગયા છે. શહેરના શાંતેશ્વર વિસ્‍તારમાં એક દિવસમાં ૮ લોકોને કુતરૂં કરડતા હાહાકાર મચી ગયો હતો.
શહેરમાં કુતરાનો આંતક અનહદ થયો છે. કુતરાને પકડવા અને ખસીકરણ માટે મનપા તંત્રએ ત્રણ વખત ટેન્‍ડર જારી કર્યા હતા. બે વખત કોઇએ ટેન્‍ડર જ ભર્યા નહિ અને એક પાર્ટીએ ટેન્‍ડર ભરેલ પરંતુ અનુભવના અભાવે તેનું ટેન્‍ડર રદ થયેલ.
આમ જૂનાગઢમાં હાલ કુતરા પકડવાની અને ખસીકરણની વ્‍યવસ્‍થાનો અભાવ હોવાથી કુતરા સરતાજ થઇ ગયા હોવાની લોક ફરિયાદ છે.
જૂનાગઢમાં રોજ ૧૦ વ્‍યકિતને કુતરા કરડે છે જેમાં બે હડકાયા હોય છે.
શહેરના શાંતેશ્વર વિસ્‍તારમાં કુતરાએ આંતક મચાવીને એક દિવસમાં ૧૦ લોકોને બચકા ભર્યા હોવાની વિગતો સામે આવી છે.
દરમ્‍યાનમાં જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં કુતરા કરડવાની સારવાર લેનાર દર્દીની સંખ્‍યા ૩૮૮૧ ની થઇ છે. આમાંથી ૭૩૩ લોકોએ હડકાયા કુતરાએ બચકા ભર્યા હોવાનું જાણવા મળેલ છે.
જૂનાગઢમાં કુતરાના આંતકથી લોકોને છૂટકારો અપાવવાની કામગીરી સત્‍વરે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

 

(11:43 am IST)