Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

મોરબીમાં ભાજપ અધ્યક્ષ-મુખ્યમંત્રીના રોડ શોમાં ફરજમાં બેદરકારી દાખવનાર પાલિકાના કર્મચારીને નોટીસ ફટકારાઇ

મોરબી નગરપાલિકાના કર્મચારીઓને થોડા સમય પૂર્વે જ ચીફ ઓફિસરે હેલ્થ ચેકઅપ કરાવવા આદેશ આપ્યા હતા અને કડક અધિકારીની છાપ ધરાવતા ચીફ ઓફિસર દ્વારા કામમાં બેદરકારી જરાય ચલાવી નહિ લેવાય તેવો અગાઉ મેસેજ આપ્યા બાદ હવે એક્શન શરુ થઇ ચુક્યા છે જેમાં સેનેટરી ઇન્સ્પેકટરને ફરજમાં બેદરકારી બદલ કારણદર્શક નોટીસ આપવામાં આવી છે 

  મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા નગરપાલિકાના સેનિટેશન ઇન્સ્પેકટર અને ઇન્ચાર્જ મેલેરિયા ઇન્સ્પેકટર કૃષ્ણસિંહ જાડેજાના કારણદર્શક નોટીસ આપી છે જેમાં જણાવ્યું છે કે સેનેટરી ઇન્સ્પેકટર તરીકે સોપવામાં આવેલી ફરજ પ્રત્યે બેદરકારી દાખવી તા. ૨૦ ના રોજ મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષના રોડ શોના રૂટ ખાતે સાફ સફાઈ, ડસ્ટીંગ, ઢોર નિયંત્રણ સહિતની ફરજો બજાવવાની હતી જે કામગીરી બજાવવામાં બેદરકારી દાખવવામાં આવી છે અને સમગ્ર રૂટ અન્વયે કરવાની થતી કામગીરી સંદર્ભે તા. ૧૮ સપ્ટેમ્બરના રોજ સફાઈ કામગીરી અને રાત્રી સફાઈ કામગીરી કરવા સુચના આપી હોવા છતાં પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી ના હતી

  જેના પરિણામે વીવીઆઈપી રૂટની સફાઈ સહિતની આનુષંગિક કામગીરી માટે પાલિકાના તમામ ઓફીસ સ્ટાફને રાત્રીના ૧૦ કલાકે હાજર રખાવી સ્ટાફને સમગ્ર રૂટના વિભાગો પાડી કરવાની થતી કામગીરી અને મેનેજમેન્ટ સુપ્રત કરવાની ફરજ પડી હતી તેમજ તા. ૧૯ ના રોજ સવારે ૧૧ કલાકે કામગીરીમાં રહેલ કચાશ અને બાકી કામગીરીમાં જરૂરી સુધારા કરવા મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા જરૂરી સૂચનાઓ અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી અને રાત્રીના કામગીરીની સમીક્ષા કરતા બેજવાબદારી પૂર્વક કામગીરી થઇ હોવાનો જવાબ મળ્યો હતો જેથી સેનિટેશન ઇન્સ્પેકટર તરીકેની તમામ ફરજો બજાવવામાં અને જરૂરી આયોજન કરવામાં નિષ્કાળજી દાખવવામાં આવી છે સીધી સુચનાઓનો ભંગ કરી નિષ્ઠાના અભાવવાળી કાર્યવાહી કરી છે જેથી ગુજરાત રાજ્ય સેવા (વર્તણુક) નિયમો ૧૯૭૧ ના નિયમ ૩ (૧) ના પેટા નિયમ (૨) નો ભંગ કરવા બદલ જવાબદાર બનો છો તેમ જણાવી ખુલાસો કરવા ૭ દિવસનો સમય આપવામાં આવ્યો છે અને પ્રત્યુતર નહિ મળે તો નિયમાનુસાર શિસ્ત વિષયક કાર્યવાહી ગુજરાત રાજ્ય નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૪૮ હેઠળ મળેલ સત્તાની રૂએ હાથ ધરવામાં આવશે જેની નોંધ લેવા જણાવ્યું છે

(12:10 am IST)