Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

નવાનગર કો-ઓપ. બેંકની ૪૩મી સભા મળી

જામનગર તા. ર૪ :.. સને ર૦ર૦-ર૧ ના વર્ષ પુરૂ થતા બેંકની વાર્ષિક સામાન્ય સભા કુંવરબાઇ ધર્મશાળા (ન્યુ જેલ રોડ, પવનચકકી પાસે) ખાતે યોજાયેલ હતી.

સભાની શરૂઆતમાં બેંકના ચેરમેન કિરણભાઇ માધવાણીએ બોર્ડના સભ્યો તથા મીટીંગમાં ઉપસ્થિત સભાસદશ્રીઓનું સ્વાગત કરેલ. ત્યારબાદ કાર્યસૂચી નં. ૧ થી ૪ મુજબની કાર્યવાહી બેંકના વાઇસ ચેરમેન ધીરજલાલ જે. કનખરા દ્વારા કરવામાં આવેલ તેમજ પ્રાસંગીક પ્રવચન કરેલ હતું. બેંકના મેનેજીંગ ડાયરેકટર રમણીકભાઇ કે. શાહ  તરફથી બેંક દ્વારા સને ર૦ર૦-ર૧ ના વર્ષમાં થયેલ કામકાજની વિગતો આપવામાં આવી. જે મુજબ બેંકની થાપણોમાં રૂ. ૧પ૭ કરોડનો વધારો થતા બેંકની થાપણો રૂ. ૮૯૮ કરોડ થયેલ છે. બેંક તરફથી અપાતા ધિરાણોમાં વ્યાજના દર હળવા હોય તેમજ મંજૂર કરવાની પ્રોસીજર સરળ હોય ધિરાણમાં રૂ. રર કરોડનો વધારો થતા બેંકના ધિરાણો રૂ. ૩૯૮ કરોડ પર પહોંચેલ હતાં. બેંકનું નેટ એન. પી. એ. ઝીરો રહેલ છે. બેંકનો કાર્યકારી નફો રૂ. ૧૬.૩૦ કરોડ તથા ચોખ્ખો નફો રૂ. ૧૦.૩ર કરોડનો થયેલ છે. બેંક તરફથી સહકારી કાયદામાં ડીવીડન્ડ આપવાની નિયત કરાયેલ મહત્તમ ૧પ ટકા ડીવીડન્ડની ભલામણ કરી હતી.

ચાલુ વર્ષમાં કોરોના સંક્રમણના કારણે બેંકના ધિરાણ લેતા સભાસદોની આર્થિક પ્રવૃતિને અસર થયેલ હોય બેંકના ધિરાણો પરના વ્યાજના દરોમાં ઘટાડો કરી રાહત આપવાના કરેલ પ્રયાસની વિગતો પણ સામાન્ય સભા સમક્ષ રજૂ કરવામાં આવી. બેંક તરફથી નેટ પ્રોફીટમાંથી સભાસદ કલ્યાણ ફંડમાં સારી એવી રકમ ફાળવવામાં આવે છે. જેમાંથી સભાસદોની માંદગી સબબ તબીબી સહાય તથા સભાસદનું અવસાન થતાં મરણોતર સહાય આપવામાં આવે છે. જે મુજબ સને ર૦ર૦-ર૧ ના વર્ષમાં ૬પ૪ સભાસદોને રૂ. ૭પ.૯૬ લાખની તબીબી સહાય તથા ૧૦૪ સભાસદોના અવસાન થતા તેના વારસદારોને રૂ. ૧પ.૬૦ લાખની મરણોતર સહાય ચુકવવામાં આવેલ હોવાની વિગતો સામાન્ય સભાને આપવામાં આવી. બેંકે રીઝર્વ બેંક તરફથી પોતાના આઇએફએસસી નંબર મેળવીને તેના દ્વારા આર. ટી. જી. એસ. --એન. ઇ. એફ.ટી.ની ગ્રાહકોને સવલત પૂરી પાડતી જામનગર શહેરની કો-ઓપરેટીવ બેંકોમાંથી પ્રથમ બેંક બની હોવાની પણ સભાસદોને જાણકારી આપવામાં આવી. આ સિધ્ધિને કારણે હાલ બેંકે ગ્રાહક દિઠ મોબાઇલ બેંકીંગમાં ફંડ ટ્રાન્સફર કરવાની લીમીટમાં વધારો કરી આપેલ છે. બેંક ટૂંક સમયમાં યુ. પી. આઇ.નાં માધ્યમથી પણ પેમેન્ટ કરવાની સવલતો શરૂ કરવા જઇ રહી છે. જેની જાણ કરવામાં આવી. ગુજરાત રાજય સહકારી સંઘ દ્વારા આયોજીત શહેરી સહકારી બેંકો વચ્ચેની હરીફાઇમાં આપણી બેંકે જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવેલ છે અને જે બદલ ગુજરાત રાજયના તત્કાલીન રાજય મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના વરદ હસ્તે શીલ્ડ તથા પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યાની વિગતો પણ બેંકના સભાસદોને સહર્ષ જણાવવામાં આવી.

આ પ્રસંગે જામનગર જિલ્લા રજીસ્ટ્રાર શ્રી તિર્થાણી તથા બેંકના સને ર૦ર૦-ર૧ ના સ્ટેચ્યુટરી ઓડીટર નિતીનભાઇ કામદાર પણ હાજર રહેલાં અને તેમણે બેંકની પ્રગતિને બેંકના બોર્ડ ઓફ ડાયરેકટર્સ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી પ્રોફેશનલ, ચોખ્ખી અને અણીશુધ્ધ કામગીરીને આધારભુત ગણી હતી.

આ પ્રસંગે બેંકના સભાસદો શ્રીમતી બીનાબેન કોઠારી કે જે હાલ જામનગર શહેરના મેયર છે, શહેરના નામાંકિત સી. એ. કમલેશભાઇ રાઠોડ કે જે હાલ આઇ. ટી. એપેલન્ટ ટ્રીબ્યુનલમાં સભ્ય નિમાયેલા છે. તથા શ્રી સરદારસિંહ જાડેજા કે જે મશીનરી મેન્યુફેકચરીંગ ક્ષેત્રે જામનગર શહેરના નામાંકિત ઉદ્યોગપતિ છે અને ભારત સરકારની 'મેઇક ઇન ઇન્ડિયા' ના ઉદેશને સર કરી ભારત માટે ઘણી ઇમ્પોર્ટ થતી જટીલ મશીનરીઓ બનાવી ચૂકયા છે તેઓનું બેંકના પદાધિકારીશ્રીઓ દ્વારા પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું.

સામાન્ય સભામાં બેંકના ડાયરેકટર્સ ચંદુલાલ શાહ, નાથાલાલ મુંગરા, સુભાષચંદ્ર શાહ, વિજયભાઇ શેઠ, હસમુખભાઇ હિંડોચા, કિરીટભાઇ મહેતા અને શ્રી ભરતભાઇ ઓઝા હાજર રહ્યા હતાં.

વાર્ષીક સામાન્ય સભા દરમ્યાન માનનીય સભાસદો ઇન્દુભાઇ વોરા, જવાહરભાઇ કેસરીયા, જવાહરભાઇ મહેતા, આર. જી. ડોબરીયા, વિજયભાઇ ગડા, રમેશભાઇ નંદા તથા ચેતનભાઇ ખટ્ટર દ્વારા બેંકની કામગીરીની સરાહના કરીને ઉપયોગી સુચનો કરેલા હતાં. જેને ધ્યાને લઇને યોગ્ય પ્રત્યુતર બેંકના પદાધિકારીશ્રીઓ તથા મુખ્ય કાર્યકારી અધિકારી એ. એન. કપાસી દ્વારા પાઠવવામાં આવ્યા હતાં.

સારી એવી સંખ્યામાં હાજર રહેલા સભાસદોએ બેંકના બોર્ડ ઓફ ડાયરેટર્સ પર મુકેલ વિશ્વાસ બદલ અને પ્રત્યક્ષ હાજર રહેવા બદલ બેંકના જો. મેનેજીંગ ડાયરેકટર હિતેશભાઇ પરમારે તેઓ પ્રત્યે આભાર વ્યકત કર્યો હતો અને ચેરમેનશ્રીની મંજૂરી મેળવીને સામાન્ય સભાની પૂર્ણાહૂતી જાહેર કરેલ હતી. બેંકની વાર્ષીક સામાન્ય સભાનું સમગ્ર સંચાલન બેંકના ચીફ મેનેજર અજયભાઇ શેઠ દ્વારા કરવામાં આવેલ હતું. 

(1:43 pm IST)