Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ભાવનગરમાં 'પદ્મશ્રી' વિષ્ણુભાઇ પંડયાના અધ્યક્ષસ્થાને રવિવારે પરેશ ભટ્ટ લિખિત અષ્ટાંગ યોગ - અ પરફેકટ લાઇફ સ્ટાઇલનું વિમોચન

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૪ : વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સંસ્કૃતિ તથા અધ્યાત્મમાં ખાસું ખેડાણ કરી ચુકેલ પરેશ કપિલરાય ભટ્ટ લિખિત અષ્ટાંગ યોગ - A Pefect Life Style કે જે ગુજરાતી ભાષાના આ વિષય પરનું સૌ પ્રથમ પુસ્તક છે જેનું વિમોચન સ્વામી ત્યાગવૈરાગ્યાનંદજી (દિવ્ય જીવન સંઘ)ના આશીર્વચન સાથે પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડયા (વરિષ્ઠ પત્રકાર અને ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ) ના અધ્યક્ષ સ્થાને અને પ્રાધ્યાપક ડો. મહેન્દ્રસિંહ પરમાર (વિભાગીય વડા, ગુજરાતી ભાષા ભવન, પ્રસિદ્ઘ લેખક), સુભાષભાઈ ભટ્ટ (જાણીતા લેખક, શિક્ષણવિદ્)ના મુખ્ય મહેમાન પદે યોજાશે.

તા. ૨૬ને રવિવારે સવારે ૧૦થી ૧૨/૩૦ વ્રજ વિહાર હોલ (ઘોઘા સર્કલ, હરજીભાઈની નર્સરીવાળો ખાંચો) ખાતે આયોજીત આ સમારોહમાં સહું જિજ્ઞાસુઓને આયોજક 'પંચ  તત્વ' ( નીતિન ત્રિવેદી, કિશોર રાજયગુરૂ, સુચિતા કપૂર, હિમાચલ મહેતા) દ્વારા આમંત્રણ અપાયું છે. વિમોચિત થનાર પુસ્તકની વિશેષતા એ છે કે જેમાં અધ્યાત્મ અને ફિલોસોફીની ફકત ડ્રાય-શુષ્ક વાતો નથી પરંતુ તંદુરસ્તી, તત્વજ્ઞાન અને સાહિત્યનો ત્રિવેણી સંગમ છે. વાચકને તત્વજ્ઞાન અને તંદુરસ્તીને સાહિત્યના થાળમાં પીરસ્યું છે જેમને યોગમાં કોઈ જ રસ નથી એવી વ્યકિતને પણ બૌદ્ઘિક દલીલો આ પુસ્તકમાં માણવી ગમે તેવી છે. પુસ્તક વિમોચનની સાથો સાથ સંસ્કૃતના અજાયબીભર્યા શ્લોકોનું પાવર પોઇન્ટ સાથેનું પ્રેઝન્ટેશન પણ યોજાશે. ખૂબ જ રસપ્રદ અને વિસ્મય પમાડે તેવા શ્લોકોનો આસ્વાદ આપ સૌ ને માણવા મળશે.

જેમાં એક જ શબ્દના ઉપયોગથી શ્લોક, બે શબ્દોના ઉપયોગ થી શ્લોક, શ્લોકથી બનતી આકૃતિઓ, કોયડા, રમૂજ, ગણિત આવું સંસ્કૃત સાહિત્ય માણવા મળશે. સમગ્ર કાર્યક્રમનું સંયોજન સુચિતાબેન કપૂર કરશે. કાર્યક્રમમાં કોરોના વિષયક સરકારી ગાઇડલાઇનના પાલન સાથે જિજ્ઞાસુઓને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

(11:39 am IST)