Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

વાંકાનેરના સજનપર-ધુનડાની સીમમાં અઠવાડિયાથી દિપડાના આટાફેરા

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર,તા.૨૪: ટંકારા તાલુકામા ફરી દિપડાએ દેખા દીધા હોવાના વાવડ મળ્યા છે. જડેશ્વર મંદિર નજીક વગડામા લગભગ એકાદ અઠવાડિયાથી દિપડો અંધારામા ત્રણેક વખત લટાર મારી ગયો હોવાનુ સીમમા કામ કરતા ખેડુતે જણાવ્યુ હતુ. પંથકની સીમમા રાનીપશુએ નીલગાય સહિતના શિકાર કર્યાનુ પણ દિપડાને નજરે જોનારાઓ જણાવી રહ્યા છે અને વગડામાં જતા ખેડુતોમાં ફફડાટ ફેલાયો હોવાનું જાણવા મળ્યું છે.

ટંકારા તાલુકામાં દિપડો ફરી ડોકાયો હોવાના વાવડ મળ્યા છે. જાણવા મળ્યા પ્રમાણે ટંકારા અને વાંકાનેર તાલુકાના બે સીમાડે ટેકરી ઉપર જડેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. મંદિરની નીચેના ભાગે સજનપર નજીક સુપ્રસિધ્ધ નાના જડેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. નાનાજડેશ્વર ઉપરાંત, દ્યુનડાની સીમમા છેલ્લા એકાદ અઠવાડિયાથી દિપડો સીમમા બિન્દાસ્ત ટહેલી રહ્યો છે. પંથકના સીમ વગડા વિસ્તારમા ખેતીકામ કરતા ખેડુત નાથાભાઈ કોળીએ દિપડો અઠવાડીયામા ત્રણેક વખત વગડામાં લટાર માર્યાની વાતને પુષ્ટિ આપી જણાવ્યુ હતુ કે, અહિયા સીમમા દિપડો મોટાભાગે રાત્રે વાતાવરણમાં માણસોની ચહલ પહલના પગરવની શાંતિ થાય પછી દેખાય છ અને નીલગાય સહિત ત્રણેક શિકાર પણ કરી ચુકયો છે.

રાનીપશુ અંગેના અહેવાલ મળતા જડેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી ઋષિભાઈ જાનીને પુછતા તેઓએ દિપડાએ દેખા દીધાની હકિકતમા તથ્ય હોવાનુ કહી તેઓના ખેડુતો એ સીમમા દિપડાએ દેખા દીધાની અને મંદિરની બહારના વગડા વિસ્તારમા લટાર મારી ચુકયાની ફરીયાદ પણ મંદિરે મળી હોવાનુ જણાવ્યુ હતુ. લગભગ છે એક માસ પૂર્વે ટંકારા અને તાલુકાના નેસડા ગામની સીમમા રાનીપશુએ દેખા દીધાની ફરીયાદ મળી હતી. પરંતુ ફોરેસ્ટ વિભાગે પંથક ખુંદી વળ્યા બાદ મળ્યો ન હોતો. અત્રે ઉલ્લેખનીય છેકે, નજીકમા રામપરા વીડી વિસ્તાર હોય દીપડાઓનો વસવાટ હોય કદાચ આવી ચડ્યો હોવાની શકયતા છે.

(11:35 am IST)