Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

કચ્છના માતાના મઢમાં નવરાત્રિ મુદ્દે અવઢવ : વહીવટી તંત્ર દ્વારા હજી કોઈ નિર્ણય ન લેવાતાં દ્વિધા

નોરતા હવે ઢુકડા છે ત્યારે અસંમંજસભરી પરિસ્થિતિ, પદયાત્રીઓ, દર્શનાર્થીઓ માટે દર્શન, પ્રસાદ, ઉતારાની વ્યવસ્થા ઉપરાંત સેવા કેમ્પ અને મેળા, સ્ટોલ, એસટી સેવા સહિતના મુદ્દે મૂંઝવણ

(વિનોદ ગાલા દ્વારા ) (ભુજ) કોરોનાની મુશ્કેલી પછી આ વખતે માતાના મઢમાં શું નવરાત્રિના દર્શન અને અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં શ્રધ્ધાળુઓ ભાગ લઈ શકશે?  નવરાત્રિ હવે ઢૂકડી આવી છે. ત્યારે લાખો લોકોના મનમાં આ સવાલ છે. પરંતુ, આ મુદ્દે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હજી સુધી કોઈ નિર્ણય લેવાયો ન હોઈ અસંમંજસ ભરી પરિસ્થિતિ સર્જાઈ છે. નવરાત્રિના ધાર્મિક પર્વ અનુસાર આગામી ૬ ઓકટોબરના માતાના મઢમાં ઘટસ્થાપન થશે અને ૭ ઓકટો.ના પ્રથમ નોરતા સાથે જ નવરાત્રીનો પ્રારંભ થશે. ત્યારબાદ ૧૨/૧૦ ના હવન તેમ જ ૧૩/૧૦ ના પતરી વિધિ થશે. ગત વર્ષ દરમ્યાન કોરોના મહામારીમાં માતાના મઢ મધ્યે ભાવિકો માટે મંદિરના દ્વાર બંધ રહ્યા. પણ, આ વર્ષે શું થશે? તે અંગે હજી સુધી જિલ્લા કે તાલુકા વહીવટીતંત્ર દ્વારા બેઠક બોલાવી  કોઈ ગાઇડલાઇન ન આપતાં તે અંગે મૂંઝવણ અનુભવતા માતાના મઢ ગામના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ મામલતદારને આવેદન પત્ર આપી નવરાત્રિ સંદર્ભે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. હવે દિવસો થોડા હોઈ નવરાત્રિ દરમ્યાન ભાવિકો માટે દર્શન, પ્રસાદ, ઉતારાની વ્યવસ્થા ઉપરાંત મેળા માટેના સ્ટોલ, એસટી બસની સુવિધા સહિતના મુદ્દે વ્યવસ્થા કરવા અંગે અવઢવ છે, દિવસો થોડા છે ત્યારે તંત્ર ઝડપભેર નિર્ણય કરે તેવી માંગ કરાઇ છે.

(9:59 am IST)