Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

મોરબીનો ગોઝારો અકસ્માત,સામેથી આવતા વાહનને તારવવા જતા કાર સાઈડમાં પડેલા ટ્રક પાછળ ઘુસી ગઈ.

મોરબીના ટીબંડી ગામના પાટિયા પાસે ગતરાત્રે ગોઝારા અકસ્માતમાં ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના ટીમ્બડી ગામના પાટિયા પાસે ગઈકાલે રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.જેમાં કાર ધડાકાભેર સાઈડમાં પડેલા બંધ ટ્રક ટ્રેલર પાછળ ઘુસી જતા ઘટનાસ્થળે જ કારમાં બેઠેલા પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ બનાવની ફરિયાદ નોંધાઈ છે. જેમાં સામેથી આવતા વાહનને તારવવા જતા ઓવરસ્પીડમાં આવતી કાર સાઈડમાં પડેલા ટ્રક ટ્રેલર પાછળ ઘુસી ગયાનું પોલીસે તરણ દર્શાવી આ ઘટનાની તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ મથકેથી ગોઝારા અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર ગતરાત્રે મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર ટીબંડી ગામના પાટિયા પાસે બંધ પડેલા ટ્રક ટ્રેલર પાછળ પુરપાટ ઝડપે આવતી જી.જે.36 એફ. 1059 નંબરની કાર ધડાકાભેર ઘુસી ગઈ હતી. આ અકસ્માત એટલો ગોઝારો હતો કે, કારનો બુકડો બોલી ગયો હતો અને કારમાં બેઠેલા આનંદસિંગ પ્રભુસિંગ શેખાવત, તારાચંદ સેજપાલ બરાલા, અશોક કાનારામ બરાલા, વિજેન્દ્રસિંગ રતનસિંગ શેખાવત અને રાજેશ જાટના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ પાંચેય મૃતક મૂળ રાજસ્થાનના વતની અને મોરબીમાં ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા હતા. ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા આ પાંચેય વ્યક્તિના અકસ્માત મોત થતા ટ્રાન્સપોર્ટ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું અને મૃતકના પરિવારો તેમજ સમગ્ર મોરબી પંથકમાં અરેરાટી મચી ગઇ હતી.
દરમિયાન ગોઝારા અકસ્માત અંગે મૃતકના સગા રામચંદ્ર છોટુરામ બરાલાએ કાર ચલાવતા મૃતક આનંદસિંહ પ્રભુસિંહ શેખાવત સામે અકસ્માત સર્જ્યાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આ બનાવ અંગે તાલુકા પોલીસ અધિકારી ગોઢાણીયાએ જણાવ્યું હતું કે, ટ્રક તો રોડની સાઈડમાં પાર્ક હતો.પરંતુ કારની ઓવરસ્પીડ હતી.ઉપરાંત હાઇવે ઉપર રાત્રી દરમિયાન સામેથી આવતા એક વાહન ચાલકને તારવવા જતા ઓવરસ્પીડ રહેલી કાર સાઈડમાં પાર્ક થયેલા ટ્રક પાછળ ઘુસી જતા આ અકસ્માત થયાનું પ્રાથમિક તારણ છે અને આ બનાવ અંગે હજુ સઘન તપાસ ચાલી રહી છે.
મૃતક આનંદસિંગ પ્રભુરામ શેખાવત ગઈકાલે સાંજે ઘરે હતા.પણ જાણે મોત બોલાવતું હોય તેમ તેમને ટ્રાન્સપોર્ટ ઓફિસેથી ફોન આવ્યો એટલે જમવા બેઠા હોવા છતાં જમ્યા વગર તેઓ નીકળી ગયા હતા.ત્યારે ઓફિસેથી પરત આવતી વખતે તેમના માસીનો દીકરો વિજેન્દ્રસિંગ પણ કારમાં સાથે હતો. ઉપરાંત તારાસિંગની પણ તેમના પાડોશમાં ઓફીસ હોય તેઓ પણ કારમાં સાથે જ બેઠા હતા.જ્યારે મૃતક અશોક અને રાજેશ ડ્રાઇવર ક્લીનર હોવાની માહિતી મળી છે. આ પાંચેય કર્મ બેસીને રસ્તામાં આવતી હોટેલ જમવા માટે જતા હતા અને જમવા માટે હોટલે ઉતરે એ પહેલાં જ કાળ ભેટી ગયો હતો.
મૃતક આનંદસિંગ છેલ્લા ચાર વર્ષથી મોરબીમાં અને અગાઉ રાજકોટ રહેતા હતા. એટલે દસેક વર્ષથી તેઓ ગુજરાતમાં ટ્રાન્સપોર્ટના ધંધા માટે સ્થાયી થયા હતા અને ગત એપ્રિલ માસમાં જ તેમના લગ્ન થયા હતા. લગ્નને હજુ પાંચ મહિના પુરા થયા ન હોય ત્યાંજ તેમનું અકસ્માતમાં મોત થતા પરિવારજનોમાં અરેરાટી મચી ગઇ છે. આ તમામ મૃતકોના મૃતદેહોને અંતિમવિધિ માટે ગતરાત્રે તેમના વતન રાજસ્થાન પહોંચાડવા આવ્યા હતા.

(9:43 pm IST)