Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

જામકંડોરણાના પીએસઆઇ સામે કાર્યવાહી ન કરાય તો ગૃહમંત્રીના બંગલે ઉપવાસ-આત્મવિલોપનની ચીમકી

ગરાસીયા પ્રૌઢ ઉપર ગુજરાયેલ પોલીસ અત્યાચાર મામલે પીએસઆઇ ગોહિલ સામે કાર્યવાહી ન કરાતા ભોગ બનનારના પુત્ર દિગુભાની ચીમકી

રાજકોટ તા.ર૪ : જામકંડોરણામાં ગરાસીયા પ્રૌઢ ઉપર ગુજારાયેલ પોલીસ અત્યાચાર મામલે જામકંડોરણાના પીએસઆઇ જે.યુ. ગોહિલ સામે કોઇ કાર્યવાહી ન કરાતા ભોગ બનનાર ગરાસીયા પ્રૌઢના પત્ની અને પુત્રએ રાજયના ગૃહમંત્રીના બંગલે ઉપવાસ આંદોલન તથા આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

પોલીસ અત્યાચારનો ભોગ બનેલા જામકંડોરણાના પ્રૌઢ અનિરૂદ્ધસિંહ જાડેજાના પુત્ર દિગ્વિજયસિંહે રેન્જ ડી.આઇ.જી.ને સંદિતસિંહને ફરી લેખીત રજુઆત કરી જણાવેલ છે કે, મારા પિતા અનિરૂદ્ધસિંહ ઉપર ગત તા.ર/૯ તથા ૧૮/૯/ર૦ર૦ના રોજ જામકંડોરણાના પીએસઆઇ જે.યુ.ગોહિલ તથા સ્ટાફે ગુજારેલ અત્યાચાર મામલે લેખીત રજુઆત કરાઇ હોવા છતા હજુ સુધી પી.એસઆઇ ગોહિલ સામે કોઇ કાર્યવાહી કરાઇ નથી મારા પિતા અનિરૂદ્ધસિંહ પ્રાઇવેટ હોસ્પીટલમાં દાખલ હતા ત્યાંથી ફરી આજે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા છે. અને ત્યાં તેઓ મરણ અને જીવન વચ્ચે જોલા ખાઇ રહ્યા છે. પોલીસ અત્યાચાર મામલે પીએસઆઇ ગોહિલ સામે અમારી ફરીયાદ લઇ તેને સસ્પેન્ડ ન કરાઇ તો હું તથા મારા માતા હંસાબા ગાંધીનગર ગૃહમંત્રીના બંગલે આમરણાંત ઉપવાસ ઉપર બેસીસુ અને ત્રણ દિવસ બાદ ત્યાંજ આત્મવિલોપન કરીશું.

જામનગર એલસીબીના પીએસઆઇને માત્ર સોશિયલ મીડીયામાં વાયરલ થયેલ વીડીયોને આધારે  સસ્પેન્ડ કરાયા છે. જયારે અમારા કિસ્સામાં અમો પીએસઆઇ સામે અત્યાચાર મામલે ફરીયાદ કરવા માંગી છીએ છતા પોલીસ ફરીયાદ લેવાતી નથી અને જામકંડોરણાના પીએસઆઇ સામે કોઇ જ કાર્યવાહી કરાતી નથી મારા પિતાને કંઇપણ થશે તો તેની જવાબદારી જામકંડોરણાના પીએસઆઇ જે.યુ. ગોહિલની રહેશે તેમ અંતમાં દિગુભા જાડેજાએ જણાવી તાકિદે ન્યાય આપવા માંગણી કરી છે.

અત્યાચાર મામલે ડીવાયએસપીનો રીપોર્ટ આવ્યે પગલા લેવાશેઃ ઇન્ચાર્જ એસપી પ્રવિણકુમાર મીણા

ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલાએ ભોગ બનનારના પરિવારજનોના નિવેદન લીધા

રાજકોટ તા.ર૪ : જામકંડોરણાના ગરાસીયા પ્રૌઢ અનિરૂદ્ધસિંહ જાડેજા ઉપર જામકંડોરણાના પીએસઆઇ દ્વારા ગુજારાયેલ પોલીસ અત્યાચાર મામલે રૂરલના ઇન્ચાર્જ એસ.પી. પ્રવિણકુમાર મીણા (શહેર ઝોન-ર ડીસીપી)નો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર અનિરૂદ્ધસિંહ જાડેજાના પરિવાર દ્વારા કરાયેલ લેખીત ફરીયાદ અન્વયે ગોંડલના ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલાને તપાસ સુપ્રત કરાઇ છે. તપાસનો રીપોર્ટ આવ્યા બાદ જામકંડોરણાના પીએસઆઇ સામે પગલા લેવામા આવશે.

દરમિયાન ગોંડલના ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલાએ પોલીસ અત્યાચારનો ભોગ બનેલ ગરાસીયા પ્રૌઢના પરિવારજનોના નિવેદન લીધા હતા તેમજ ભોગ બનનાર ગરાસીયા પ્રૌઢની શારીરીક સ્થિતનો ડોકટરો પાસેથી રિપોર્ટ લીધો હતો. તથા જામકંડોરણા પોલીસ સ્ટાફના પણ નિવેદનો લેવાયા હતા.

(3:46 pm IST)