Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

પુંજાવાળા સાહેબ : લોકવાર્તાની માળાનો જાણે એક મણકો ખરી પડયો

અસંખ્ય વાર્તાઓ ટીવી, રેડીયોમાં પ્રસારીત થઇ : શ્રેષ્ઠ લોકવાર્તા કથકનો એવોર્ડ અપાયો ત્યારે બીબીસીએ પણ નોંધ લીધેલી : ઝવેરચંદ મેઘાણી એવોર્ડ પણ મળેલો

(શિવકુમાર રાજગોર દ્વારા) રાજુલા : પરમ વંદનીય પુંજાવાળા સાહેબના અવસાનથી ગુજરાતી વાર્તા કથનનો એક દ્યેદ્યુર વડલો ધરાશયી થયો એમ કહી શકાય અને લોકવાર્તાની માળાનો જાણે એક મણકો ખરી ગયો.

દરબાર પુંજાવાળા એભલવાળા સાહેબનો જન્મ ઇ.સ. ૧૯૨૯માં રાજવીશ્રી એભલવાળા સાહેબને ત્યાં થયો હતો.તેઓએ તા.૧૬-૯-૨૦૨૦ના રોજ પોતાના દરબારગઢમાં સાઁણથલી ખાતે અંતિમ શ્વાસ લીધા. તેમણે બાળપણથી જ માતાના ખોળાથી જ યોગવશિષ્ઠ રામાયણ અને ગીતાનુ રસપાન કર્યું હતું, તેમને પિતાશ્રીએ પ્રવાસની અનુકૂળતા કરી આપતા તેઓને પ્રવાસનો શોખ જાગ્યો અને કુદરતના ખોળે ફરવા માંડયા કુદરત પ્રેમી બનતા ગયા તેઓએ ડીંગળ, પીંગળ, અને વ્રજભાષાના ગ્રંથોનું અધ્યયન કર્યું હતું તેમનો શોખ સાહિત્ય તરફ ઢળતો ગયો પછી તેઓએ દર્શનશાસ્ત્ર વિષય સાથે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી એમ.એ.ની પદવી મેળવી હતી. અમરનગરના દરબારશ્રી અમરાવાળા સાહેબ તેમના પિતાશ્રીના ખાસ મિત્ર હોવાથી તેઓ પિતા સાથે વારંવાર અમરનગર જતા અને ત્યાં કલાકારો કવિઓ કસબીઓ, વાર્તાકારોનો પરિચય થતાં તેમને પણ વાર્તા તરફ આકર્ષણ જાગ્યું અને તેમણે લોક વાર્તાના માધ્યમને પસંદ કર્યું.

દેશી રજવાડાના એક રાજ રાજવી એટલે એમાં તો વાણી-વર્તન વિવેકમાં તો શું કહેવું પડે આવી એમની બેજોડ પ્રતિભા હતી. દરબાર પુંજાવાળા સાહેબે પોતાની આ આવડતને લોકકથાની વાર્તાની શૈલી એમણે કયારે અર્થ સાથે જોડેલ નહીં એટલે કે એમણે એક શોખ અને ઇતિહાસનું સંસ્કૃતિનું ઋષિકાર્ય કાર્ય કર્યું હતું એમ કહી શકાય. દરબાર સાહેબની એક વિશેષતા એ પણ ગણાવી શકાય કે જેમણે પોતાના નવ દાયકાની સફર દરમિયાન કોઈની સાથે કોઇ પક્ષ સાથે કોઈ વિચારધારા સાથે કયારેય જોડાવાનું પસંદ ન કર્યું અને પોતે સ્વતંત્ર પોતાની મેળે જ પોતાની પ્રતિભાથી એવો પોતાના નાના એવા ગામ સાંણથલીમાં જુલે બેઠા-બેઠા એણે ગુજરાતભર નહિ પણ દુનિયા આખીમાં જયા ગુજરાતી પ્રજા વસે છે સંસ્કૃતિ પ્રેમી વસે છે વાર્તા પ્રેમી લોકો વસે છે ત્યાં પોતે આદર માનપાન અને સ્થાન પામ્યા હતા એમના જવાથી સૌને મનમાં એક ઊંડો ધ્રાસકો પડ્યો છે અને સમગ્ર ગુજરાતમાં જુદા જુદા સોશિયલ મીડિયાના માધ્યમથી એમને જબરજસ્ત બેહદ શ્રદ્ઘાંજલિઓ પાઠવવામાં આવી છે.

દરબાર પુંજાવાળા સાહેબને સમગ્ર ગુજરાત અને ગુજરાતી પ્રજા જયાં જયાં વસતી હશે તે કયારેય ભુલવાની નથી. તેમની અસંખ્ય વાર્તાઓ ટી.વી. રેડીયો પરથી પ્રસારિત થઈ છે તેઓ પોતાની વાર્તામાં શૃંગાર રસ, ભકિતરસ, વીર રસ, કરુણ રસ એવી રીતે પીરશે કે શ્રોતાઓ આફરીન થઈ જાય તેઓને દિલ્હીની માતબર સંસ્થાએ તજજ્ઞોની ઉપસ્થિતિમાં સાંભળી શ્રેષ્ઠ લોકવાર્તા કથકનો એવોર્ડ આપ્યો ત્યારે બીબીસી લંડન પરથી તેમની પ્રશંસા કરવામાં આવી હતી. ગુજરાત રાજય સંગીત અકાદમીએ તેમને ૧૯૯૮ -૯૯ ગૌરવ પુરસ્કાર એવોર્ડ રાજયપાલશ્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો તેઓનું બોટાદ મુકામે પ્રમુખસ્વામી મહારાજના હાથે કાઠી સમાજે બહુમાન કર્યું હતું. તેઓને રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઝવેરચંદ મેદ્યાણી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

દરબારશ્રી પુંજાવાળા સાહેબ તેમની પાછળ તેમના ત્રણ સુપુત્રો શ્રી મુળુવાળા, ડો.વિક્રમવાળા, શ્રી દેવકુવાળાને મુકતા ગયા છે. જેમાં ડો.વિક્રમવાળા પણ એક સારા વાર્તાકાર છે તેમનો સાહિત્ય વારસો જાળવવાનું કાર્ય કરી રહ્યા છે.

(11:44 am IST)