Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

વિંછીયા-જસદણ તાલુકાને આરોગ્ય સુવિધાઓ આપવામાં અન્યાય : ભાજપ પ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૨૪ : વિંછીયા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રાજપરા દ્વારા વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી, સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ ભાજપ, નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી, કુંવરજીભાઇ બાવળીયા કેબિનેટ મંત્રી સાહિતનાને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં ૫ (પાંચ) નવી બ્લોક હેલ્થ ઓફીસ શરૂ કરવામાં આવેલ  વિંછીયા તાલુકામાં રેગ્યુલર સ્ટાફ ભરેલ ન હોય જેથી વીંછીયાની બ્લોક હેલ્થ ઓફિસ બંધ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાની સરખામણીએ માત્રને માત્ર જસદણ/વિંછીયા તાલુકામાં આયુષ્માન ડોકટર,મેડિકલ ઓફિસરની જગ્યા અને અન્ય આરોગ્ય કર્મચારીઓની જગ્યા  જાણી જોઈને ભરેલ નથી જયારે આ ૧૧ તાલુકામાંથી સરકારી આરોગ્યની સેવા લેતા લોકોની સંખ્યા જસદણ/વિંછીયા તાલુકામાં સૌથી વધારે છે તેવા તાલુકા પ્રત્યે ઓરમાયું વર્તન રાખવમાં આવે છે. રાજકોટ અને પોરબંદરના સંસદ સભ્યોએ  એક જ સમયે લેટર પેડ ઉપર ગ્રાન્ટ ફાળવેલ હોય પરંતુ ગોંડલ વિસ્તારમાં ૧૫ દિવસ અગાઉ થર્મલગન ફાળવેલ અને રાજકોટના સંસદ સભ્યની ગ્રાન્ટ માંથી ૧૫ દિવસ પછી રજુઆત કર્યા બાદ જસદણ/વિંછીયા તાલુકાને થર્મલગન  ફાળવવામાં આવેલ હતી.જસદણ/વિંછીયા તાલુકાની ફિમેલ હેલ્થ સુપર વાઇઝરની  ૫ (પાંચ) વર્ષથી જગ્યા ખાલી પડેલ છે  જે ભરવામાં આવેલ નથી. વિંછીયા તાલુકાના બહેનોને   કુટુંબ કલ્યાણના ઓપરેશન માટે ૫૦ કી.મી  દૂર જસદણ જવું પડે છે. તે વ્યવસ્થા  વિછિયા તાલુકામાં કરવામાં આવતી નથી.

જસદણ/વિંછીયા  આરોગ્ય કર્મચારીઓને ૨૪ ગ્રેડ આપવામાં આવતો નથી. જયારે અન્ય તાલુકામાં નોકરી કરતા કર્મચારીઓને ૨૪ના ગ્રેડ મંજુર કરી આપવામાં આવે છે. રાજકોટ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓને સજા માટે જસદણ/વિંછીયા વિસ્તાર સાબરમતી જેલ હોય તેવી રીતે જસદણ/વિંછીયામાં બદલી કરીને હાજર થાયને નોકરી ઉપર કર્મચારીઓ આવતા નથી અને આરોગ્ય વિભાગમાં આવી રીતે જગ્યા બતાવવામાં આવે છે.  જસદણ/વિંછીયા મહિલા આરોગ્ય કર્મચારી ઉપર બહારના લોકો દ્વારા ધાક-ધમકીઓ આપેલ હોય તે બાબતે કોઈ જાતના પગલાં ભરવામાં આવેલ નથી. એક ને ગોળ અને એકને ખોળ જેવી નીતિ  આરોગ્ય અધિકારી અન્ય તાલુકાની વિઝીટમાં જાય છે.પરંતુ જસદણ/વિંછીયા તાલુકાના પી.એસ.સી માં છેલ્લા પાંચ વર્ષથી માત્ર ૧ થી ૨ વાર વિઝીટમાં આવેલ છે.

 રાજકોટ જિલ્લાના ફિમેલ હેલ્થ વર્કરને પાંચ વર્ષથી પ્રમોશન આપવામાં આવતું ન હતું જયારે આપવાનું થયું ત્યારે ૨૫ ફિમેલ હેલ્થ વર્કર પાસેથી સ્થળ પસંદગી મુજબ જગ્યા ફાળવેલ છે તેવું લખાણ અગાઉ લઈને ફિમેલ હેલ્થ વર્કરને સુપરવાઈઝર તરીકે નિમણૂક આપવામાં આવી છે. જસદણ વિંછીયા તાલુકામાં તાલુકા હેલ્થ સુપરવાઈઝરની જગ્યા વર્ષોથી ભરવામાં આવેલ નથી પણ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ફિમેલ હેલ્થ વર્કરને પ્રમોશન સમયે રાજકોટ તાલુકા હેલ્થ સુપરવાઈઝરની જગ્યા ભરી લીધેલ તો જસદણ/વિછિયા તાલુકાની તાલુકા હેલ્થ સુપરવાઈઝરની જગ્યા પ્રમોશન સમયે કેમ ભરવામાં આવેલ નથી.

જસદણ/વિંછીયા તાલુકાને આરોગ્યની દ્રષ્ટિએ અન્યાય થતો રહેશે અને પછાત તાલુકાના લોકોને આરોગ્યની સગવડ અપૂરતી રહેશે. આ બાબતે તાત્કાલિક જિલ્લા આરોગ્ય અધિકારીની નિમણુંક કરીને જસદણ/વિંછીયા તાલુકાને ન્યાય આપવા વિંછીયા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ રાજપરા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

(11:42 am IST)