Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

૧૨૫મી મેઘાણી જયંતી વર્ષ અંતર્ગત

થાનગઢ સ્થિત રવિભાણ સંપ્રદાયના સંતશ્રી અકકલદાસજી સમાધિ સ્થળના દર્શનાર્થે

અમદાવાદ તા.૨૪ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની અંતિમ કૃતિ 'સોરઠી સંતવાણી'ના પ્રવેશકમાં રવિભાણ સંપ્રદાયના સેવાભાવી લોકસંતો ભાણસાહેબ, બુંદ પરંપરાના ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, ભીમ સાહેબ, અક્કલદાસ સાહેબ, દાસી જીવણ, પ્રેમ સાહેબ તથા નાદ પરંપરાના રવિ સાહેબ, મોરાર સાહેબ, હોથી સાહેબના પ્રેરક જીવન-કવનનું વિસ્તૃત આલેખન કરાયું છે. ત્રિકમ સાહેબ, રવિ સાહેબ, મોરાર સાહેબ, હોથી સાહેબ, દાસી જીવણ રચિત ભજનોનો સમાવેશ પણ ૧૦૪-પ્રાચીન ભજનોનાં આ સંગ્રહમાં કરાયો છે. 

૧૨૫મી મેદ્યાણી જયંતી વર્ષ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્થિત રવિભાણ સંપ્રદાયના ગુરુ બ્રહ્મ+સમાજના સંતશ્રી અક્કલદાસજી સાહેબ સમાધિ સ્થળના દર્શનાર્થે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર અને ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનંકભાઈ મેદ્યાણી તથા ચોટીલાના સ્નેહી-મિત્રો કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા, વાઘુભાઈ ખવડ ગયા હતા. સાદર શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. ૩૫-વર્ષીય યુવા મહંતશ્રી અને સંતશ્રી અક્કલદાસજીની સાતમી પેઢીના વારસ કૃષ્ણવદનજી ગુરૂ હરિપ્રસાદજી  દાદા ગુરૂ નિત્યાનંદદાસજી, આઠમી પેઢીના વારસ ૮-વર્ષીય પુત્ર ધર્માનંદજી તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત અગ્રણીઓએ ભાવભર્યું અભિવાદન કર્યું હતું.

મહંતશ્રી કૃષ્ણવદનજી સાહેબે ઉપસ્થિત સહુ સાથે ધર્મ-જ્ઞાન-ગોષ્ઠિ કરી હતી. સંતશ્રી અક્કલદાસજી સાહેબના જીવન-કવન વિશે જાણકારી આપી હતી. જગ્યાના મહંતશ્રી સ્વ. ધનદાસજીના કાર્યકાળમાં ઝવેરચંદ મેદ્યાણી આ જગ્યાની મુલાકાતે આવ્યા હતા. મહંતશ્રી સ્વ. ધનદાસજી સાહેબ, દેવા બાપા (ચોટીલા) અને બધાભાઈ લાખાભાઈ ગેડીયા (રાણપુર) સાથે ઝવેરચંદ મેદ્યાણીનાં સંભારણાંને વાગોળ્યા હતા. ૩૦૦ વર્ષ પૂર્વ જે સિતાર પર સંતશ્રી અક્કલદાસજી સાહેબ મધુર કંઠે ભજનો ગાતા તે આજે પણ અહિ જતનપૂર્વક જળવાયો છે. આ ઐતિહાસિક જગ્યાના સુયોગ્ય રીતે જીર્ણોધ્ધાર માટે મહંતશ્રી કૃષ્ણવદનજી સાહેબ (મો. ૬૩૫૨૩૭૪૭૫૭) સવિશેષ પ્રયત્નશીલ છે.

(11:32 am IST)