Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ભાવનગર પંથકમાં અલંગ, ગારીયાધાર, સિહોર, સિદસરમાં બિન અધિકૃત દબાણો પર બુલડોઝર ફેરવાયું : કરોડોની જમીન ખુલ્લી થઇ

ગ્રામ્ય પંથકમાં તબેલા, રહેણાંક મકાનો, કાચા ઝૂપડા તાર ફેન્સીંગ સહિત કોમર્શીયલ દબાણો તોડી પાડતા દબાણકારોમાં ભયનો માહોલ

(વિપુલ હિરાણી)ભાવનગર તા.૨૪ : ભાવનગર જિલ્લાના અલંગ, ગારીયાધાર, સિહોર તથા સિદસર વિસ્તારમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિવિધ ઈસમો દ્વારા કરવામા આવેલ બિનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા છે.

ઉપરોકત વિસ્તારના વિવિધ બિનઅધિકૃત રીતે ઉભા કરાયેલા પતરાવાળા ઈંટના મકાન, પશુના તબેલા, રહેણાકવાળા મકાનો, પાકા બાંધકામ વાળા વાડા, કાચા ઝુપડા, કોમર્શિયલ બાંધકામ તથા તાર ફેન્સીગ સહિતના દબાણો દૂર કરી તંત્ર દ્વારા અંદાજે ૧૨,૨૦૫ ચો.મી. જમીન પરના દબાણો અન્વયે ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ની કલમ ૬૧ તથા ૨૦૨ હેઠળ કાર્યવાહી હાથ ધરી કુલ ૧૬ થી વધુ દબાણો દૂર કરી દબાણવાળી જમીન ખુલ્લી કરાવી જિલ્લા વહિવટી તંત્રે સદર જમીનનો સરકાર તરફે કબજો સંભાળ્યો હતો. દબાણ દૂર કરી ખુલ્લી કરાયેલ જમીનની હાલની અંદાજિત બજાર કિંમત રૂપિયા ૧૦,૨૨,૧૫,૦૦૦ જેટલી થાય છે.

ભાવનગર રાજકોટ હાઈવે પર શિહોર શહેરની મધ્યમાં આવેલ ૫૦૦ ચો.મી. જગ્યા પર ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ સ્થાનિક તંત્ર દ્વારા દૂર કરવામાં આવેલ છે. જંત્રી આધારે ખુલ્લી કરવામાં આવેલ આ જગ્યાની અંદાજિત કિંમત ૭૫ લાખ જેટલી થાય છે. જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ નાયબ કલેકટર સિહોર, મામલતદાર સિહોર, તાલુકા વિકાસ અધિકારી સિહોરની સંયુકત ટીમ દ્વારા ઉપરોકત દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

સરકારી જમીન પરના દબાણો આગામી સમયમાં પણ દૂર કરવામાં આવશે તેમ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

(11:29 am IST)