Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

પોરબંદર સાંદીપનિમાં પૂ. ભાઇશ્રીની નિશ્રામાં ૩૮મું નવરાત્રી અનુષ્ઠાન : વિનામૂલ્યે વિવિધ મેડીકલ કેમ્પ

ફેફસાને લગતા રોગોનો કેમ્પ, મોઢાની જન્મજાત ખોડખાપણ દૂર કરવાનો કેમ્પ, દંતયજ્ઞ ડાયાબીટીસ તથા નેત્રમણી સાથેનો નેત્રયજ્ઞઃ લોહી પેશાબ કાર્ડિયોગ્રામ એકસ-રે સોનોગ્રાફી સીટી સ્કેન સહિત તમામ ટેસ્ટ વિનામૂલ્યે : દર્દીઓએ નામ નોંધણી કરાવી લેવી

પોરબંદર, તા. ર૪: ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટના ઉપક્રમે પૂજય ભાઇશ્રીની નિશ્રામાં સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા આડત્રીસમા નવરાત્રિ અનુષ્ઠાન પ્રસંગે વિનામૂલ્યે મેડીકલ કેમ્પનું આયોજન કરેલ છે.

સાંદીપનિ વિદ્યાનિકેતન, પૂજય ભાઇશ્રીના આડત્રીસમા નવરાત્રી અનુષ્ઠાન પ્રસંગે તા. ર૯ સપ્ટેમ્બર થી તા. ૮ ઓકટોબર દરમિયાન ધર્મકાર્યોની સાથે સાથે માનવસેવાને ચરિતાર્થ કરતા વિવિધ મેડીકલ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લાના ભાઇ-બહેનોને તેનો લાભ લેવા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.

સાંદીપનિ વિદ્યાનિકેતનમાં યોજાનાર કેમ્પોમાં દંતયજ્ઞ તા. ર૯થી તા. ૭ સમય : સવારે ૯-૦૦થી ૧રઃ૩૦ દંતવૈદ્ય લાભુભાઇ શુકલ મેમોરિયલ કિલનિક, ગવરીદડ રાજકોટના જાલંધરબંધ યોગ પદ્ધતિના દંતવૈદ્ય સરોજબહેન જોષી, દંત વૈદ્ય શ્રી હર્ષદભાઇ જોષી તથા તમેની ટીમ દ્વારા આંતઃ સ્ત્રાવી ગ્રંથી (ડાયાબીટીસ માટે કેમ્પ તા. ૪ સવારે ૮-૩૦થી ૧ર-૦૦ -ડો. સમીર લોઢીયા (ઉપલેટા) તેમજ નેત્રમણી સાથેનો નેત્રયજ્ઞ- તા. ૪ સમય સવારે ૮-૩૦થી ૧ર-૦૦ શિવાનંદ આઇ હોસ્પિટલ, વીરનગરના નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા (સૌજન્ય-પોરબંદર જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ). લાયન્સ હોસ્પિટલમાં યોજાનાર કેમ્પોમાં ઇ.એન.ટી. કેમ્પ (કાન, નાક, ગળાના દર્દી માટે) તા. ૬ સવારે ૮-૩૦થી ૧ર-૦૦ -અમદાવાદના ડો. નંદલાલ કે. માનસેતા દ્વારા, ગાયનેકોલોજી (સ્ત્રીરોગ નિષ્ણાંત કેમ્પ)માં તા. ૬ સવારે ૮-૩૦ થી ૧ર-૦૦-અમદાવાદના ડો. ઇલાબેન એન. માનસેતા દ્વારા, પલ્મોનોલોજી કેમ્પ (ફેફસાને લગતા રોગોનો કેમ્પ) તા. ૬ સવારે ૮-૩૦થી ૧રઃ૦૦ -રાજકોટના ડો. જયેશભાઇ ડોબરીયા દ્વારા, મનોરથી સ્વ. રતનદેવી તાપડીયાની સ્મૃતિમાં શ્રી બજરંગલાલ તાપડીયા પરિવાર-મુંબઇ તેમજ મોઢાની જન્મજાત ખોડખાપણનો કેમ્પ (મેકિઝલોફેશિયલ કેમ્પ)માં તા. ૬ સવારે ૮-૩૦થી ૧ર-૦૦ અમદાવાદના ડો. શ્યામ બી. શેઠ અને તેમની ટીમ તથા પોરબંદરના મેકિઝલોફેશિયલ સર્જન ડો. હિમાંશુ ગઢવી દ્વારા સારવાર આપશે.

તમામ મેડિકલ કેમ્પમાં ભાગ લેવા ઇ.એન.ટી. કેમ્પ, ગાયનેલોજી કેમ્પ, પલ્મોનોલોજી કેમ્પ અને મેકિઝલોફેશિયલ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા ભાઇ-બહેનોએ અગાઉથી નામ નોંધાવવા માટે તા. તા.ર૮ સુધી સવારે ૧૦થી ૧ર અને સાંજે પ થી ૬ દરમિયાન (રવિવાર તથા જાહેર રજાના દિવસો સિવાય), ગાયવાડી સરકારી દવાખાનું, વાણિયાવાડ, પોરબંદર અથવા લાયન્સ હોસ્પિટલ, કમલાબાગ પાસે, પોરબંદર અથવા સત્ સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટની ઓફીસ, ચામુંડા અન્નક્ષેત્રની બાજુમાં, સુદામા મંદિર પાછળ, પોરબંદર કોઇ એક સ્થળે નામ નોંધવવા .

નામ નોંધાવેલ વ્યકિતઓને કેમ્પના સ્થળે વહેલા તે પહેલાના ધોરણે તપાસવામાં આવશે. જરૂરી મામ લેબોરેટરી તપાસ જેવી કે લોહી, પેશાબ, ઇ.સી.જી. (કાર્ડિયોગ્રામ), એકસ-રે, સોનોગ્રાફી, સી.ટી. સ્કેન સહિતનો કોઇપણ ખર્ચ લાભાર્થીએ ભોગવવાનો રહેશે નહીં. તમામ તપાસ વિનામૂલ્યે જ કરી આપવામાં આવશે. જે દર્દીને દવા આપવાની જરૂર જણાશે તેને પાંચ દિવસની દવાઓનો પૂરતો કોર્સ કેમ્પના સ્થળ પર જ વિનામૂલ્યે આપવામાં આવશે. જરૂરીયાતવાળા દર્દીઓને ત્રણ મહિના સુધી ફ્રી ફોલોઅપ કરી આપવામાં આવશે. વધુ માહિતી માટે સંપર્ક કરોઃ કેમ્પ કો-ઓર્ડિનેટર ડો. સુરેશ ગાંધી, ડો. ભરત ગઢવી મો. ૯૭૧રર રર૦૦૦ સવારે ૧૦થી ૧ર, સાંજે ૪થી ૭ સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (૮.૧૬)

(1:17 pm IST)