Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

કુવાડવાના હરેશ બાહુકીયાનું નવાગામ રાણપુરના તળાવમાં બે મિત્રોની નજર સામે ડૂબી જતાં મોત

મિત્રો સાથે ન્હાવા ગયો ત્યારે કાળ ભેટી ગયોઃ બે માસુમ પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં કલ્પાંત

જ્યાં દૂર્ઘટના બની એ તળાવ અને મૃત્યુ પામનાર હરેશભાઇનો ફાઇલ ફોટો. તસ્વીર બામણબોરના બાબુલાલ ડાભીએ મોકલી હતી

રાજકોટ તા. ૨૪: કુવાડવાના નવાગામ રાણપુરમાં સાત નાલા પાસે આવેલા તળાવમાં કુવાડવાના ત્રણ મિત્રો ન્હાવા માટે પડતાં તે પૈકીના કુવાડવાના ૩૬ વર્ષના કોળી યુવાનનું તરતાં ન આવડતું હોઇ બે મિત્રોની નજર સામે જ ડુબી જતાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

જાણવા મળ્યા મુજબ કુવાડવા હુડકો કવાર્ટરમાં રહેતો હરેશભાઇ મનસુખભાઇ બાહુકીયા (ઉ.૩૬) નામનો કોળી યુવાન ગઇકાલ બપોર બાદ બે મિત્રો દિનેશ અમરશીભાઇ મકવાણા અને સંજય મુળજીભાઇ બાહુકીયા સાથે બાઇકમાં બેસી નવાગામ રાણપુરના સાત નાલા પાસે આવેલા તળાવે ન્હાવા માટે ગયો હતો. જ્યાં ન્હાતી વખતે હરેશભાઇ ઉંડા પાણીમાં પહોંચી જતાં તેને તરતાં આવડતું ન હોઇ ડૂબવા માંડ્યો હતો.

બે મિત્રોએ તેને બચાવવા પ્રયાસ કર્યો હતો અને બૂમાબૂમ કરતાં આસપાસમાં દેવીપૂજક ભરતભાઇ મધુભાઇ સહિતના લોકો બચાવવા માટે દોડી આવ્યા હતાં. હરેશભાઇને બેભાન હાલતમાં બહાર કાઢી કુવાડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યો હતો. પરંતુ તબિબે તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનોને જાણ થતાં દવાખાને દોડી ગયા હતાં. જુવાનજોધ દિકરાના મોતથી બાહુકીયા પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બામણબોરના બાબુભાઇ ડાભીએ જણાવ્યા મુજબ મૃત્યુ પામનાર હરેશભાઇને સંતાનમાં બે પુત્ર છે. તે કોથમરી ઉપાડવાની મજૂરી કરતો હતો. તેના અકાળે મોતથી છ અને આઠ વર્ષના બે પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. કુવાડવાના પીએસઆઇ આર. પી. મેઘવાળ, એએઅસાઇ રાયધનભાઇ ડાંગર અને જયપાલસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:57 am IST)