Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

સૌરાષ્ટ્રમાં દરિયો તોફાની બનવાની ચેતવણીઃ કચ્છમાં એનડીઆરએફની ટીમ તૈનાત

બંદરો ઉપર બોટોના ખડકલાઃ ૩ નંબરનું સિગ્નલ યથાવતઃ મિશ્ર વાતાવરણ સાથે વરસતો હળવો-ભારે વરસાદ

રાજકોટ, તા. ૨૪ :. અરબી સમુદ્રમાં 'હિકા' વાવાઝોડાની ચેતવણીના પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારે બોટોના ખડકલા કરી દેવાયા છે અને માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. બંદરો ઉપર ૩ નંબરનું સિગ્નલ યથાવત છે.

જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો-ભારે વરસાદ કોઈ કોઈ જગ્યાએ વરસી જાય છે.

ભૂજ

ભૂજઃ અરબી સમુદ્રમાં લો પ્રેસર અને મસ્કત ઓમાન તરફ વધતા વાવાઝોડા વચ્ચે કચ્છમાં પણ તંત્ર એલર્ટ થઈ ગયુ છે. દરિયામાં મોજા ઉછળવાની અને દરીયો તોફાની બનવાની ચેતવણીને પગલે કચ્છના કંડલા, જખૌ સહિતના તમામ બંદરો ઉપર ૩ નંબરનું સિગ્નલ લગાવી દેવાયુ છે. કચ્છ જિલ્લા ડિઝાસ્ટર મામલતદાર ભગીરથસિંહ ઝાલાના જણાવ્યા પ્રમાણે કચ્છના કાંઠાળ વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડે તેવી ચેતવણી છે. આગોતરી તૈયારી રૂપે કચ્છમાં એનડીઆરએફની ટીમને એલર્ટ રખાઈ છે. જખૌ બંદરે રવિવારથી બોટોને દરીયામાં જવાના ટોકન આપવાના બંધ કરી દેવાયા છે. જો કે જખૌના દરીયામાં હજી ૧૦૦ જેટલી બોટ છે તે તમામને પરત કિનારે આવી જવા જણાવી દેવાયુ છે. કચ્છના દરીયામાં હજી બહુ કરંટ નથી, પણ ચેતવણીને પગલે તંત્ર સાવધાન છે.

જામનગર

જામનગરઃ આજનું હવામાન ૩૫ મહત્તમ, ૨૫.૫ લઘુતમ, ૮૯ ટકા વાતાવરણમાં ભેજનુ પ્રમાણ ૪.૫ પ્રતિ કલાક પવનની ગતિ રહી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામજોધપુરમાં ૨ મી.મી. વરસાદ પડયો છે.

આ ઉપરાંત જામજોધપુરના સમાણા અને પરડવા તથા લાલપુરના પડાણામાં હળવા-ભારે વરસાદી ઝાપટા વરસ્યા છે.

જૂનાગઢ

જૂનાગઢઃ કાલે સાંજે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીરનાર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા અને અડધાથી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

(11:53 am IST)