Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ પ્રશ્ને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર તા.૨૪ : જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને એક આવેદનપત્ર પાઠવી નવા મોટર વાહન નિયમો રદ કરવા જૂનાગઢ જિલ્લામાં મગફળી કેન્દ્રો ખોલી પોષણક્ષમ ભાવે સરકારને મગફળી ખરીદવા તથા ગરીબો માટે આવાસ બનાવવા રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવેલ કે, તાજેતરમાં ભારત સરકારે આરટીઓના નવા નિયમો અમલમાં મૂકી જૂનાગઢ જિલ્લાની તેમજ ગુજરાતની જનતાને ભયંકર મુશ્કેલીમાં મુકી દીધી છે. જેથી આરટીઓના હેલ્મેટ, પીયુસી, વિમો, થર્ડ પાર્ટી વિમો તેમજ વાહન માલીકની આર્થિક સ્થિતિ નબળી હોય જેના કારણે વાહન વિમો ન ભરી શકેલ હોય જેના કારણે વાહન ઘરે મૂકી દીધેલ હોય છતા પણ નવા કાયદા મુજબ ઓનલાઇન વાહનની ડીટેઇલ જોઇને તેનો પણ વિમો ફરજીયાત ભરવો પડશે અને ટુ વ્હીલરમાં નાનુ બાળક સાથે હોય તો ૩ સવારી ગણાશે તેવા નવા કાયદાનો કોંગ્રેસ પક્ષ વતી સખત વિરોધ નોંધાવી સરકાર તાત્કાલીક આવા નવા આરટીઓના કાયદા રદ કરીને જૂના કાયદા ચાલુ રાખે તેવી માંગણી છે.

આ ઉપરાંત અગાઉના વર્ષોનો પાકવિમો હજુ સુધી ખેડૂતોને મળ્યો નથી તે કપાસના પાક વિમાના પૈસા દિવાળી પહેલા ખેડૂતોને ચુકવવા તથા હાલ સરકારે મગફળીના ટેકાના ભાવ નકકી કરેલ છે પરવળે તેમ ન હોય મીનીમમ એક ખાંડીના રૂ. ૩૦,૦૦૦ નકકી કરી વહેલી તકે જિલ્લામાં સરકાર દ્વારા મગફળી ખરીદ કેન્દ્રો ચાલુ કરી ટેકાના ભાવે મગફળી ખરીદવા પણ રજૂઆત કરી છે.

આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં ગરીબો માટે આવાસ યોજના જાહેર કરી ગરીબી રેખા હેઠળ આવતા લોકોને આવાસ ફાળવવા પણ માંગણી કરી છે.

આ આવેદનપત્ર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટુભાઇ પોકીયા, ધારાસભ્ય ભીખાભાઇ જોશી, બાબુભાઇ વાજા (માંગરોળ માળીયા), દિનેશ મકવાણા, અશ્વિનભાઇ ખટારીયા (કેશોદ), સમીરભાઇ પાંચાણી, અરવિંદભાઇ લાડાણી, કરશનભાઇ વાડોદરીયા, કિશોરભાઇ મેંદપરા, વજુભાઇ મોવલીયા વગેરે જિલ્લાના કોંગી આગેવાનોએ પાઠવ્યુ છે.

(11:47 am IST)