Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

જસદણના કોઠી ગામના સરોજબેન ૪૦ પ્લસ યોગ સ્પર્ધામાં પ્રથમ સ્થાને વિજેતા

 જસદણ તા ૨૪ : રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત જિલ્લા રમતગમત અધિકારી કચેરી, રાજકોટ આયોજીત સ્પર્ધામાં કન્યા શાળામાં ફરજ બજાવતા સરોજબેન રામાનુજ ચાલીસ પ્લસ યોગ સ્પર્ધામાં જિલ્લામાં સ્થાન મેળવી યોગગુરૂ તરીકે પણ સારી કામગીરી કરી શાળા તથા ગામનું ગોૈરવ વધાર્યુ છે.

ગત વર્ષે રાજયનો બેસ્ટ ટીચર એવોર્ડ મેળવનાર સરોજબેન રામાનુજનો ખોળો ખુંદી પહેલા બીજા ધોરણના બાળકને જોઇને એમજ લાગે કે બાળક શાળામાં શિક્ષક પાસે નહીં પરંતુ પોતાના ઘરે માના ખોળામાં શિક્ષણ લઇ રહ્યું છે, તેમને વર્ગ સ્વર્ગ જેવો ટી.એલ.એમ. થી સુશોભિત કરેલ છે.બાળકને  શાળામાં જવું ગમે તેવી બોલતી દીવાલો રમે તેવી રમતનું રેખાંકન વગખંડમાં જ કરેલ છે જે ભારે આકર્ષણ જગાવે છે.

ખોબા જેવડા કોઠી ગામમાં ૨૦૧૦ થી ફરજ બજાવતા શિક્ષણની અનેરી સુવાસ ફેલાવી રહ્યા છે, અને જિલ્લા કક્ષાના ઇનોવેટીવ ફેસ્ટિવલમાં ત્રણ વર્ષથી ભાગ લઇ ગણિત શિક્ષણ પપેટ એટલે કલાને જીવંત રાખવા માટે પપેટ દ્વારા શિક્ષણ આપી રહ્યા છે, બાળકોને બોલીને સમજાવવા કરતા પ્રત્યક્ષ થયેલું ચિરસ્થાયી યાદ રહે છે. પપેટ દ્વારા શિક્ષણ દરેક બાળકને તથા શિક્ષકો માટે પ્રેરણારૂપ બન્યા છે.

આવા સંનિષ્ઠ પ્રયાસને કારણે આઇઆઇએમ અમદાવાદ દ્વારા સમર્થ ઓનલાઇન તાલીમ મોરબી માટે તેમનું માર્ગદર્શન મળેલ અને સમર્થન ઓનલાઇન પ્રોજેકશન ડેવલોપમેન્ટ ઓફ ટીચર કાર્યક્રમમાં ઇનોવેશન થકી પ્રજ્ઞા શિક્ષણ કેસ સ્ટડી તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો છે.

અત્યારે આઠમાં ધોરણનું બાળક વાંચી શકતા ન હોવાથી વિગતો સામે આવેલ છે, ત્યારે સરોજબેન ના બીજા ધોરણના બાળકો પણ ૧૦૦% સ્પષ્ટ અંક જ્ઞાન ધરાવતા હતા, તેમને શિક્ષણ ખુશીઓમાં સો ટકા સિદ્ધિ પ્રાપ્ત કરાવી હતી, તેથી પ્રતિભાશાળી  શિક્ષક તરીકે આપણા શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ સાહેબ દ્વારા સન્માન કરવામાં આવેલ.

આ સરોજબેન રામાનુજ દ્વારા બાલગીત, નાટક સંવાદ સંખ્યાજ્ઞાન, સરવાળા બાદબાકી કરાવે ત્યારે બાળકો માટે ભણતર ભાર નહીં આનંદથી માણવા લાયક બની જાય છે.

(11:45 am IST)