Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

દેવભૂમી દ્વારકા જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળાને ડામવા દોઢ લાખ ઘરોમાં સર્વે કરીને રોગ અટકાયતી પગલાઓ ભરાશે

ખંભાળીયા તા.૨૪ : મેલેરીયા મુકત ગુજરાત ૨૦૨૨ અન્વયે આશરે ૩૦૦ આરોગ્ય કર્મચારીઓ ૫૦૦ આશા બહેનો તેમજ અન્ય પેરામેડીકલ સ્ટાફ દ્વારા તા.૨૩-૯-૨૦૧૯થી તા.૨૮-૯-૨૦૧૯ સુધી રોગોના સર્વેલન્સ અને મચ્છર ઉત્પતિ સ્થાનોના નાશ કરવા તેમજ પોરાનાશક કામગીરી વધુમાં જરૂર જણાયેથી ફોગીંગ અને નાનામોટા તળાવ ટાંકાઓમાં પોરાભક્ષક માછલી મુકી અને મચ્છરોના ઉત્પતિ સ્થાનો નાશ કરવા માટે દેવભૂમી દ્વારકા જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમ કટીબધ્ધ છે.

ગત સપ્તાહમાં ૧૮૫૦ જોખમી સગર્ભાઓને દવાયુકત મચ્છરદાનીના વિતરણ કરવામાં આવેલ છે. આ વર્ષે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદ નોંધાયેલ છે જેના કારણે મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધવાની શકયતા રહેલ હોય રોગચાળાને ડામવા માટે આશરે ૮ લાખની વસ્તીના ૧.૫૦ લાખ ઘરોમાં સર્વે કરી રોગ અટકાયતી પગલાઓ લેવાશે. આ કામગીરી દરમિયાન લોકો મચ્છરના  ઉત્પતિ સ્થાનો જેવા કે નળની કુંડી, સિમેન્ટની ટાંકી, સીડી નીચેની ટાંકી, બેરલ, પીપ, ટાયર, ડબ્બા, સુશોભન માટે ફુવારા, ફ્રીઝ, એસી- કુલર ટ્રે, ફુલઝાડના કુંડા,પક્ષીના પીવાના પાણીના કુંડા, અગાશી, છજામાં ભરાતા પાણી અને વરસાદ બંધ રહ્યા બાદ બંધીયર વિસ્તારમાં ભરતા ચોખ્ખા પાણીમાં પોરા ના થાય તે મુજબ પાણી દર અઠવાડીએ ઘસીને પાત્રોને સાફ કરે તેમજ હવાચુસ્ત પાત્રમાં ઢાકીને સંગ્રહ કરવા જણાવાયુ છે. મચ્છરદાની, મચ્છર અગરબતી, કડવા લીમડાનો ધુવાડો સવાર સાંજ, ધૂપ, સવાર સાંજ ઘરના બારી બારણા બંધ રાખવા સંપુર્ણ શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા વગેરે સાવચેતી રાખવા તેમજ વાહકજન્ય રોગ અટકાયતી સર્વેલન્સ કામગીરીમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને યોગ્ય સાથ અને સહકાર આપવા જિલ્લા દેવભૂમી દ્વારકાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.એસ.આર.રાઠોડ દ્વારા જનસમુદાયને અપીલ કરી છે.

(11:39 am IST)