Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

એક મહિનામાં લગ્ન થવાના હતા, આદિવાસી પરિવાર બપોર પછી છોટા ઉદેપુર જવા નીકળે તે પહેલા યુવકનું મોત

હળવદના કડીયાણા પાસે કેનાલમાં ડુબેલા તરૂણ અને યુવકની લાશ મળતા અરેરાટી

હળવદ તા. ૨૪: તાલુકાના કડીયાણા ગામે પસાર થતી નર્મદા કેનાલમાં  આદિવાસી પરિવારનો એક બાળક પડી ગયા બાદ તેને બચાવવાના પ્રયાસમાં યુવાન અને તરુણ ડૂબી ગયા હતા.બાદમાં મામલતદાર સહિતનાની ટીમે તરવૈયાઓની મદદથી કેનાલમાં શોધખોળ કરતા બન્નેના મૃતદેહો મળી આવ્યા હતા.જોકે હતભાગી યુવાનના એક માસમાં લગ્ન થવાના હતા ત્યારે આજે આ કરુણ ઘટના બનતા ભારે અરેરાટી મચી ગઇ છે.

આ કરુણ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ છોટા ઉદેપુર ગામનો આદિવાસી પરિવાર થોડા સમય પહેલા હળવદ તાલુકાના કડીયાણા ગામે ખેતમજૂરી કરવા આવ્યો હતો અને આ ગામમાં આવેલી વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરીને પેટીયું રળે છે.ત્યારે આજે આ આદિવાસી પરિવારના વિશાલ વિક્રમભાઈ નાયક ઉ.વ.૮, કરણ વિક્રમભાઈ નાયક ઉ.વ. ૧૯ અને કિશન લાલચંદ નાયક ઉ.વ.૧૬ આજે કડીયાણા ગામે પસાર થતી નર્મદા કેનાલના કાંઠે રમતા હતા.તે સમયે વિશાલ અચાનક જ કેનાલમાં પડી ગયો હતો અને તેને બચાવવા માટે તેનો ભાઈ કરણ તથા કિશને પણ કેનાલમાં છલાંગ લગાવી દીધી હતી.જોકે વિશાલ તો હેમખેમ બહાર નીકળી જતા તેનો જીવ બચી ગયો હતો.પણ કરણ અને કિશન ઉડા પાણીમાં ગરક થઈ ગયા હતા.આ બનાવની જાણે થતા મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી જઈને તરવૈયાઓની મદદથી બન્નેની કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી.પણ કરણ અને કિશનના મૃતદેહ જ હાથ લાગ્યા હતા.આ બનાવની સૌથી વધુ કરુણતા એ છે કે હતભાગી કરણના એક માસમાં લગ્ન થવાના હતા અને આજે લગ્નની તૈયારી માટે બપોર પછી તેનો પરિવાર છોટા ઉદેપુર જવા નીકળવાનો હતો.તે પહેલાં જ તેનું અકાળે મોત થતા આદિવાસી પરિવારમાં ભારે અરેરાટી મચી ગઇ હતી.

(11:34 am IST)